- રાજકોટ જિલ્લામાં ઉત્તરાયણ પર ઘાયલ પશુ-પક્ષીની સંખ્યામાં 124 ટકાનો સંભવિત વધારો,પાંચ પશુ ડોક્ટરની ટીમ સાથે પાંચ એમ્બ્યુલન્સ તૈનાત રહેશે
રાજકોટ/અમદાવાદ,10 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાત રાજ્યમાં રંગીન પતંગોત્સવની ઉજવણી માટે તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં ગુજરાત સરકારની 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા પંખી અને પ્રાણીઓની ઇમર્જન્સીમાં વધારાનો સામનો કરવા માટે સજ્જ બની છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાંક વર્ષોના તથ્ય અને વિશ્લેષણના આધારે, 14 જાન્યુઆરીના રોજ અંદાજે 1476 ઇમર્જન્સી કેસ નોંધાવાની શક્યતા છે, જે સામાન્ય દિવસોમાં નોંધાતા 842 કેસોની સરખામણાએ 72.28 % નો વધારો દર્શાવે છે. તે જ રીતે, 15 જાન્યુઆરીના રોજ 1495 ઇમર્જન્સી કેસ થવાની શક્યતા છે, જે 77.53%નો વધારો દર્શાવે છે.
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો સામાન્ય દિવસોમાં સરેરાશ 46 જેટલા ઇમર્જન્સી કેસ સામે મકર સંક્રાંતિના દિવસે 14 જાન્યુઆરીના રોજ 104 જેટલા કેસની સંભવના સાથે 124.14%નો વધારો જોવા મળશે તેમજ 15 જાન્યુઆરીના રોજ 87 જેટલા કેસ નોંધવાની સંભાવના સાથે 87.50% નો વધારો થવાની સંભવના હોવાનું 1962ના પ્રોગ્રામ મેનેજર ડો. પ્રિયાંક પટેલે જણાવ્યું છે. રાજ્યમાં કરુણા અભિયાન અંતર્ગત, પ્રાણી અને પંખીઓને ઝડપથી મદદ પહોંચે તે માટે રાજ્યભરમાં 1962ના એમ્બ્યુલન્સની સંખ્યા 14 અને 15 જાન્યુઆરી દરમિયાન 37 થી વધારીને 87 કરવામાં આવી છે. જયારે રાજકોટ ખાતે બે 1962 મોટી એમ્બ્યુલન્સ ઉપરાંત ત્રણ મોબાઈલ પશુ દવાખાના વાન (એમ.વી.ડી.) તૈનાત રહેશે. તહેવારના આ દિવસો દરમ્યાન પ્રોગ્રામ મેનેજર પ્રિયાંક પટેલ તેમજ પ્રોજકેકટ કોઓર્ડિનેટર પરેશ પ્રજાપતિ સહીત પાંચ પશુ ડોક્ટર તેમજ ટ્રેનર સેવામાં તૈનાત રહેશે. આ સાથે 1962 એમ્બયુલન્સ સેવા’ દ્વારા આ પાવન તહેવાર નિમિત્તે અબોલ જીવો પ્રત્યે કરુણા દર્શાવી નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે, હાનિકારક પતંગની દોરીનો ઉપયોગ ટાળે, સજાગ રહે, અને કોઈ પણ પ્રાણી કે પંખીની ઇમર્જન્સી તરત 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન પર જાણ કરે
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ