પાટણ,10 જાન્યુઆરી (હિ.સ.) કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતના હસ્તે આજે સરસ્વતી તાલુકાના પાંચ ગામોમાં 20 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહુર્ત કરાયું હતું. આ પ્રસંગે તમામ ગામોમાં મંત્રીનું ઢોલ શરણાઈના નાદે ઉમળકાભેર સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામોમાં નવીન રસ્તાના નિર્માણની ખુશીમાં ગ્રામજનોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.મંત્રી બળવંત સિંહ રાજપૂતે આજરોજ મેસર પંચાયત ઓફિસ થી કાતરા રોડને જોડતો માર્ગ, ખોડાણા કલણીયાપુરા રોડ, વ્હાણા થી નવા તરફનો તથા સરદારપુરા, અરજણપુરા અને રાધુપુરા ને જોડતો રોડ, મુના થી નવા જિલ્લા હદ સુધીનો રોડ અને વાગડોદ ગામે હાઈવે થી વાગડોદ- વાછલવા રોડને જોડતો મોહનપુરા લીંક રોડનું સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી બળવંત સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વિકાસનું કોઈ કામ આપણે બાકી રાખવાનું નથી. રાજ્ય સરકારે સિધ્ધપુર વિધાનસભા વિસ્તાર અને સરસ્વતી તાલુકામાં વિકાસને વેગ મળે એ માટેનું આયોજન અને વ્યવસ્થા કરી છે. જેના ભાગરૂપે આજે સરસ્વતી તાલુકાના પાંચ ગામોમાં વીસ કરોડથી વધુના નવીન માર્ગોનું ખાત મુર્હૂત થયું છે. રાજ્ય સરકારે આ વિસ્તારના તળાવો ભરવા માટે ૧૨૬ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરી આ વિસ્તારમાં વિકાસ કામોને વેગ મળશે અને પ્રજાની સુખાકારીમાં વધારો થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.વિવિધ ગામોમાં ખાત મહૂર્ત પ્રસંગે ગ્રામીણ સ્થાનિક આગેવાનો, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, તમામ ગામોના સરપંચઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર