પાટણ, 6 જાન્યુઆરી (હિ.સ.)
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉ. આશિષ પટેલના માર્ગદર્શન હેઠળ તેમના ટીમના સદસ્ય દિશા, ભક્તિ, અનિલ, વીરેન્દ્ર અને નિશા દ્વારા ગુજરાતના દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ પરથી ઇયેન્ગેરીયા સ્ટેલાટા દરિયાઈ લિલનું પ્રથમ વખત કલેક્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, આ લિલમાંથી સિલ્વર નેનોપાર્ટિકલ્સનું સિન્થેસિસ કરવામાં આવ્યું.
આ સિલ્વર નેનોપાર્ટિકલ્સને ટામેટાના બીજ પર લાગુ કરી 24 કલાક માટે પ્રકાશની ગેરહાજરીમાં રાખવામાં આવ્યા. ત્યારબાદ, આ બીજને ખારાશવાળી જમીનમાં રોપવામાં આવ્યાં, અને તેની બીજઅંકુરણ ક્ષમતા પર અભ્યાસ કરવામાં આવ્યો. પરિણામે, નેનોપાર્ટિકલ્સની ટ્રીટમેન્ટથી પાકની વૃદ્ધિ અને વિકાસ પર સકારાત્મક અસર જોવા મળી.
અહેવાલથી એવું જણાયું કે, આ સિલ્વર નેનોપાર્ટીકલ્સની ટ્રીટમેન્ટથી પાકના વૃદ્ધિ અને વિકાસમાં સુધારો થયો છે. તે ઉપરાંત, ખારાશના પ્રભાવને ઘટાડવામાં પણ મદદ મળી છે, જેના કારણે ખેડૂતોને વધુ અને ગુણવત્તાવાળા ઉત્પાદન મળવા માટે શક્યતા વધી રહી છે.
આ સંશોધન એન્ટિઓક્સિડન્ટ એક્ટિવીટી અને અન્ય અવલોકનોથી સાબિત થયું છે કે, સિલ્વર નેનોપાર્ટીકલ્સના ઉપયોગથી છોડના પ્રકાંડ, પર્ણ અને મૂળની વૃદ્ધિ વધુ થાય છે. આ ટેકનોલોજી કૃષિમાં અસરકારક અને લાભદાયક હોઈ શકે છે, ખાસ કરીને ખારાશવાળી જમીન પર, જ્યાં પોષક તત્ત્વો ઓછા થઈ જાય છે.
વિશ્વની પ્રસિધ્ધ પ્લાન્ટ સાયન્સની જનરલમાં આ સંશોધન પ્રગટ થયું છે, જે પ્રગતિશીલ કૃષિ ટેકનોલોજીનો મહત્વપૂર્ણ ભાગ બનવા જઈ રહ્યું છે.
આ નવી ટેકનોલોજી દ્વારા, કુત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડી અને પર્યાવરણીય અસરને ઘટાડીને, ખેડૂતોએ આર્થિક અને સામાજિક લાભ મેળવવાનો સારો મોકો મેળવશે.
આ સંશોધનનું પરિણામ એ છે કે, નેનોટેકનોલોજી ખેડુતોને મદદ કરે છે, કારણ કે તે ખારાશવાળી જમીન પર પણ વધારે અને ગુણવત્તાવાળા પાકનું ઉત્પાદન શક્ય બનાવે છે. કૃષિમાં નેનોપાર્ટિકલ્સના ઉપયોગથી, કૃષિની કામગીરીમાં સુધારો કરી અને ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગમાં ઘટાડો કરી શકાય છે, જે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર