બેંગલુરુ, નવી દિલ્હી, 07 જાન્યુઆરી (હિ.સ.) અમેરિકાની અગ્રણી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની માઈક્રોસોફ્ટ, ભારતમાં ક્લાઉડ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે ત્રણ અબજ ડોલર (રૂ. 25,722 કરોડ)નું રોકાણ કરશે.
માઈક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સીઈઓ સત્ય નડેલાએ મંગળવારે આની જાહેરાત કરી છે. નડેલાએ જણાવ્યું હતું કે, દેશના AI પરિવર્તનને વેગ આપવા માટે ભારતમાં એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્યોમાં અમારા નવા રોકાણોની જાહેરાત કરતાં અમે રોમાંચિત છીએ. સીઈઓ સત્ય નડેલાએ બેંગલુરુમાં માઈક્રોસોફ્ટ એઆઈ ટૂર સ્ટેજ પરથી કહ્યું કે માઈક્રોસોફ્ટ આગામી બે વર્ષમાં ભારતમાં ક્લાઉડ અને એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 3 અબજ અમેરિકન ડોલર નું રોકાણ કરશે. આમાં ભારતમાં નવા ડેટા સેન્ટર સ્થાપવા અને એઆઈ નવીનતાને વેગ આપવાનો સમાવેશ થશે. માઈક્રોસોફ્ટે 2030 સુધીમાં 10 મિલિયન લોકોને તાલીમ અને કૌશલ્ય આપવાની વ્યાપક યોજના શેર કરી છે, જે ટેક્નોલોજી પર ભારત સાથે ભાગીદારી કરવાની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ, એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેણે પોતાની 'એક્સ' પોસ્ટમાં પણ આ મીટિંગનો ઉલ્લેખ કર્યો છે. વડા પ્રધાનનો આભાર માનતાં નડેલાએ લખ્યું, હું ભારતને એઆઈ-પ્રથમ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને આગળ વધારવા અને દેશમાં અમારા સતત વિસ્તરણ પર સાથે મળીને કામ કરવા માટે આતુર છું, જેથી દરેક ભારતીયને આ એઆઈ પ્લેટફોર્મ પરિવર્તનનો લાભ મળે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ