અમરેલી/અમદાવાદ,9 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામની સીમમા આજે સવારે એક 65 વર્ષીય વૃધ્ધ પોતાના એરંડાના ખેતરમા કામ કરી રહ્યાં હતા તે સમયે અચાનક એક સિંહણે હુમલો કરી પગમા ગંભીર ઇજા પહોંચાડતા સારવારમા ખસેડાયા છે.
હાલમા ખેતીની સિઝન ચાલી રહી છે. અને અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા વન્યપ્રાણીઓની વધેલી વસતિ વચ્ચે સિંહ દીપડા જેવા પ્રાણી દ્વારા માણસ પર હુમલાની ઘટના વધી રહી છે. ધારી તાલુકાના દલખાણીયા ગામે આજે એક એવી જ ઘટના બની હતી. અહીના બટુક નાનજીભાઇ યાદવ નામના ખેડૂતે પોતાના ખેતરમા એરંડાનુ વાવેતર કર્યુ છે. સવારના દસેક વાગ્યાના સુમારે તેઓ ખેતરમા કામ કરી રહ્યાં હતા ત્યારે એરંડાના પાક વચ્ચેથી અચાનક એક સિંહ ધસી આવ્યો હતો અને સીધો જ તેમના પર હુમલો કરી દીધો હતો. સાવજે તેમના પગ અને સાથળના ભાગે ઇજા પહોંચાડી હતી અને બાદમા નાસી ગયો હતો. ઘવાયેલા બટુક યાદવને સારવાર માટે પ્રથમ ધારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવીલમા રીફર કરાયા છે. બનાવને પગલે વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ