અમદાવાદ,9 જાન્યુઆરી (હિ.સ.) રાજ્યનાં 15 પરીક્ષા કેન્દ્રો પર બુધવારથી શરૂ થયેલી પોલીસ ભરતીની પ્રેક્ટિકલ પરીક્ષાનો આજે બીજો દિવસ છે. સતત બીજા દિવસે તમામ કેન્દ્રો પર વહેલી સવારે કડકડતી ઠંડીની વચ્ચે ઉમેદવારો શારીરિક કસોટી આપવા માટે આવી પહોંચ્યા હતા.
પોલીસ વિભાગમાં ભરતી માટે આજે શારીરિક પરીક્ષાનો બીજો દિવસ છે.શાહીબાગ પોલીસ હેડ ક્વાટર ખાતે મહિલાઓની પરીક્ષા યોજાઈ હતી.સવારે 6:00 વાગ્યાથી 9:00 વાગ્યા દરમિયાન આ પરીક્ષા યોજાઈ હતી.ઉમેદવારો સવારે પાંચ વાગ્યાથી આવવાની શરૂઆત થઈ ગઈ હતી.પરીક્ષા પૂર્ણ કરીને બહાર આવતા કેટલાક ઉમેદવારોના મોઢે ખુશી તો ક્યાંક દુઃખ દેખાતું હતું. પરીક્ષા દરમિયાન એક યુવતીને ચક્કર આવતા 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ભરતીના બીજા દિવસે સવારે 5 વાગ્યાથી પ્રવેશ શરૂ થયો હતો. જેમાં અમદાવાદ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના 1200 ઉમેદવારોને બોલાવ્યા હતા. જેમાંથી 400 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાંથી અંદાજે 123 ઉમેદવારો પાસ થયા હતા. તો પાસ થયેલા ઉમેદવારોએ 13 રાઉન્ડ 25 મિનિટમાં પુરા કરવા સામે 21થી 23 મિનિટમાં પૂર્ણ કર્યા હતા. તો ભરતીમાં આવેલા ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા સાથે પ્રવેશની વ્યવસ્થા સારી હોવાની વાત જણાવી હતી.
પોલીસ વિભાગમાં પીએસઆઇ અને કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયાના બીજા દિવસે લાલબાગ પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં શારીરિક પરીક્ષા લેવામાં આવી હતી. વહેલી સવારે મહિલા ઉમેદવારો શારિરીક પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા. સરકારી નોકરી મેળવવાનું સપનું પૂરું કરવા યુવતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.વહેલી સવારે સવારે 5 વાગ્યાથી ઉમેદવારોની આવવાની શરૂઆત થઈ ગઈ હતી.પરીક્ષા પૂર્ણ કરીને બહાર આવતા કેટલાક ઉમેદવારો નિર્ધારીત સમય મર્યાદામા રનીગ પૂરી કરી ન શકતા નિરાશ જોવા મળ્યા હતા. તો કેટલાક ઉમેદવારોના ચહેરા ઉપર ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ