181 અભયમ્ ટીમની સતર્કતાથી 17 વર્ષની કિશોરીનું બાળલગ્ન અટક્યું
અમરેલી, 23 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લામાં ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનની ઝડપભેર કાર્યવાહીથી ૧૭ વર્ષની કિશોરીનું બાળલગ્ન ટળી ગયું છે. કિશોરીના લગ્નની તૈયારી ચાલી રહી હોવાની જાણ થતાં ૧૮૧ અભયમ્ ટીમની કાઉન્સેલર ઈશા મેર, કોન્સ્ટેબલ મીરાબેન અને પાયલટ રોહ
૧૮૧ અભયમ્ ટીમની સતર્કતાથી ૧૭ વર્ષની કિશોરીનું બાળલગ્ન અટક્યું


અમરેલી, 23 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લામાં ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનની ઝડપભેર કાર્યવાહીથી ૧૭ વર્ષની કિશોરીનું બાળલગ્ન ટળી ગયું છે. કિશોરીના લગ્નની તૈયારી ચાલી રહી હોવાની જાણ થતાં ૧૮૧ અભયમ્ ટીમની કાઉન્સેલર ઈશા મેર, કોન્સ્ટેબલ મીરાબેન અને પાયલટ રોહનભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થળ પર પહોંચ્યા બાદ પરિવારજનોએ કિશોરીના લગ્નનું આયોજન કર્યાની પુષ્ટિ આપી હતી.

ટીમે કિશોરીના દસ્તાવેજોની તપાસ કરતા તેની ઉંમર ૧૭ વર્ષ હોવાનું બહાર આવ્યું. તરત જ સ્થાનિક પોલીસ અને બાળ સુરક્ષા અધિકારીને જાણ કરવામાં આવી. અધિકારી સ્થળ પર પહોંચી પરિવાર સાથે ચર્ચા કરી અને કન્યાના કાયદેસર ઉંમર પૂરાં ન થતા બાળલગ્ન અધિનિયમ-૨૦૦૬ની જોગવાઈઓ સમજાવી. પરિવારજનોએ કિશોરીના લગ્ન આવતીકાલે નક્કી થયેલા હોવાનું જણાવ્યું હતું અને આજે હલ્દીની રસમ ચાલી રહી હતી.

અધિકારીઓએ કાયદા હેઠળ કન્યાની ન્યૂનતમ ઉંમર ૧૮ વર્ષ હોવી જરૂરી હોવાનું સમજાવતાં આખરે પરિવારજનોએ લેખિતમાં જણાવ્યું કે કિશોરીની ઉંમર પૂર્ણ થયા બાદ જ લગ્ન કરાશે. અભયમ્ ટીમની સમયસરની કાર્યવાહીએ એક કિશોરીનું ભવિષ્ય અંધકારમય થતું અટકાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande