અમરેલી, 23 ઓક્ટોબર (હિ.સ.): અમરેલીની મોંઘીબા મહિલા આર્ટ્સ કોલેજની હોકી ટીમે સતત ત્રીજી વાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા આયોજિત આંતર કોલેજ બહેનોની હોકી સ્પર્ધામાં વિજયનો તાજ મેળવ્યો છે. તા. 15 ઓક્ટોબર, 2025ના રોજ લીંબડીની સખીદા કોલેજના સંચાલનમાં યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં મોંઘીબા કોલેજની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
કોલેજની કેપ્ટન જોગીસા રૂબિનાના નેતૃત્વમાં ખેલાડીઓએ ઉત્તમ ટીમ વર્ક અને રમતની કૌશલ્યતા દેખાડીને પ્રતિસ્પર્ધી ટીમોને પરાજિત કરી હતી. ટીમમાં ખાન હસિના, સિંધવ કીર્તિ, સિંધવ જાગૃતિ, હપાણી ક્રિષા, રાઠોડ વૈશાલી અને ગોજારીયા સેજલ સહિત કુલ 15 ખેલાડીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આ સતત ત્રીજી સિદ્ધિ સાથે મોંઘીબા મહિલા આર્ટ્સ કોલેજે સૌરાષ્ટ્ર વિસ્તારમાં મહિલાઓની રમતગમત ક્ષેત્રે આગેવાની જાળવી રાખી છે. કોલેજના પ્રિન્સિપલ અને શિક્ષકમંડળે ખેલાડીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં રાજ્યસ્તરીય સ્પર્ધામાં વધુ ઊંચાઈ હાંસલ કરવાની શુભેચ્છા પાઠવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai