સુરત, 23 ઓક્ટોબર (હિ.સ.): સુરતથી મહારાષ્ટ્રના ચોપડા જતી શ્રી હરિ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં હંગામાનો માહોલ સર્જાયો હતો. દારૂના નશામાં ધૂત બસ ચાલક દ્વારા બેફામ અને જોખમી રીતે બસ ચલાવતા મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. અંતે ગુસ્સે ભરાયેલા મુસાફરોએ બસ રોકાવીને ડ્રાઈવરને જાહેરમાં માર માર્યો હતો. આ આખી ઘટના હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે.
માહિતી મુજબ, શ્રી હરિ ટ્રાવેલ્સની બસ સુરતથી મહારાષ્ટ્રના ચોપડા જવા રવાના થઈ હતી. મુસાફરોએ શરૂઆતથી જ નોંધ્યું હતું કે ડ્રાઈવર અસામાન્ય રીતે વાહન ચલાવી રહ્યો છે. થોડી જ વારમાં ખબર પડી કે ડ્રાઈવર દારૂના નશામાં હતો અને બેફામ ઝડપે બસ હંકારી રહ્યો હતો. મુસાફરોમાં ભય અને બેચેનીનો માહોલ ફેલાયો હતો.
બસને મહારાષ્ટ્રના શિરપુર નજીક રોકી દેવામાં આવી. બસ ઊભી રહી જતાં ગુસ્સે ભરાયેલા મુસાફરોએ ડ્રાઈવરને નીચે ઉતાર્યો અને જીવ જોખમમાં મૂકવાના કૃત્ય બદલ તેની સામે રોષ વ્યક્ત કર્યો. ગુસ્સો એટલો ઉગ્ર થયો કે મુસાફરોએ જાહેરમાં જ ડ્રાઈવરને માર માર્યો હતો. કેટલાક મુસાફરોએ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટનાએ ફરી એકવાર લક્ઝરી બસોમાં મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. મુસાફરોએ માગ કરી છે કે નશામાં વાહન ચલાવનારા ડ્રાઇવરો સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને ટ્રાવેલ્સ એજન્સીઓએ આવા બેદરકારીભર્યા ચાલકો પર તાત્કાલિક નિયંત્રણ લાવવું જોઈએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે