મહેસાણા, 23 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા સર્કિટ હાઉસ ખાતે આજે ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા આવતીકાલે યોજાનારા એર શો અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
પ્રેસ કોન્ફરન્સમાં વાયુસેનાના પાયલોટ કંવલ સિંધુએ જણાવ્યું કે SKAT ટીમના નવ હોક Mk132 વિમાનો “લૂપ્સ”, “રોલ્સ”, “હેડ-ઓન ક્રોસ” અને “ઇન્વર્ટેડ ફોર્મેશન” જેવા દિલધડક સ્ટંટ રજૂ કરશે. આ કાર્યક્રમ હવામાં ચોકસાઈ, શિસ્ત અને ટીમ સ્પિરિટનું જીવંત પ્રદર્શન બનશે. તેમણે કહ્યું કે આવતીકાલે સૂર્યકિરણ ટીમ મહેસાણાના આકાશને તિરંગાના રંગોથી રંગીને રોમાંચક દૃશ્યો સર્જશે.
કંવલ સિંધુએ SKATના ગૌરવપૂર્ણ ઇતિહાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે 1996માં રચાયેલી આ ટીમ એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે, જે અત્યાર સુધીમાં 700થી વધુ પ્રદર્શનો આપી ચૂકી છે. તેમણે ઉમેર્યું કે આ શો યુવાનો માટે પ્રેરણારૂપ બનશે અને ઇન્ડિયન એરફોર્સની તૈયારી તથા શૌર્યનું પ્રતિબિંબ રજૂ કરશે.
આ પ્રસંગે વાયુસેનાના પાયલોટ રાજેશ કાનલા, ગૌરવ પટેલ, મહેસાણા પ્રાંત અધિકારી તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR