મહેસાણા, 23 ઓક્ટોબર (હિ.સ.): વિસનગર શહેર નજીક એક બોલેરો જેવી ગાડી અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવમાં રિક્ષા ચાલકને ઇજા પહોંચી હતી, જ્યારે ગાડીનો ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
માહિતી મુજબ, ગુંજા ગામે રહેતા 61 વર્ષીય નાસીરખાન અકબરખાન પઠાણ રિક્ષા નંબર GJ 02 VV 3807 ચલાવે છે. 22 ઑક્ટોબર, 2025ના રોજ તેઓ દઢિયાળ ગામમાં પેસેન્જર ઉતારી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. નૂતન જનરલ હોસ્પિટલ નજીક નારાયણ પાર્ટી પ્લોટ આગળ પહોંચતા એક બોલેરો જેવી ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં નાસીરખાનને કપાળ અને બરડાના ભાગે ઇજા થઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ તેમને પ્રાઇવેટ વાહનમાં બેસાડી વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
આ બનાવ અંગે નાસીરખાન પઠાણે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ગાડીચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR