
ભાવનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલ પવિત્ર શેત્રુંજય ગિરિરાજ પર્વત પર સિંહનો લટાર મારતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ આ પર્વત પર દરરોજ હજારો યાત્રાળુઓ આવાગમન કરતા હોય છે, તે વચ્ચે સિંહની હાજરીનો વીડિયો સામે આવતાં સ્થાનિકોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, કેટલાક યાત્રિકોએ શેત્રુંજી ડુંગર પર યાત્રા દરમ્યાન સિંહને ફરતા જોયો હતો અને તે દ્રશ્ય પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કર્યું હતું. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં આશ્ચર્ય સાથે થોડો ભય પણ જોવા મળ્યો છે. હાલ આ વીડિયો ક્યારનો છે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, તેમ છતાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે થોડા દિવસો અગાઉ સિંહ યાત્રામાર્ગની આસપાસ આવ્યો હોઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai