

અમદાવાદ, 25 ઓક્ટોબર (હિ.સ.) પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તાએ અમદાવાદ સ્ટેશનની મુલાકાત લીધી. તહેવારી સિઝન દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમણે સ્ટેશનના વિવિધ વિસ્તારો હોલ્ડિંગ એરિયા, પ્લેટફોર્મ, ફૂટઓવર બ્રિજ, ટિકિટ કાઉન્ટર અને સર્ક્યુલેટિંગ એરિયા નું નિરીક્ષણ કર્યું. તેમણે તહેવારો દરમિયાન ભીડને અસરકારક રીતે સંભાળવા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરી અને સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોનું પણ નિરીક્ષણ કર્યું.
અમદાવાદ સ્ટેશન પર નિરીક્ષણ દરમિયાન ગુપ્તાએ કાલુપુર બ્રિજથી સારંગપુર વચ્ચે બની રહેલા રોડ ઓવર બ્રિજ (ROB)નું નિરીક્ષણ કર્યું તેમજ સરસપુર તરફ બનાવાયેલા હોલ્ડિંગ એરિયા અને પ્લેટફોર્મ નંબર 8ની બાજુએ NHSRCL બિલ્ડિંગની નીચે તૈયાર કરવામાં આવેલા હોલ્ડિંગ એરિયાનો પણ અવલોકન કર્યું. આ દરમિયાન તેમણે મુસાફરો સાથે સંવાદ પણ કર્યો.
નિરીક્ષણ બાદ ગુપ્તાએ મીડિયા પ્રતિનિધિઓને સંબોધતા જણાવ્યું કે ભારતીય રેલવે દ્વારા તહેવારી સિઝનમાં મુસાફરોની સુવિધા માટે 12,000થી વધુ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જેમાંથી 2,000થી વધુ ટ્રેનો પશ્ચિમ રેલવે દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ, સાબરમતી, આસારવા, ઉધના, બાન્દ્રા ટર્મિનસ વગેરે મુખ્ય સ્ટેશનો પર મુસાફરોની સુવિધા માટે વિશેષ હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે, જ્યાં પીવાનું પાણી, CCTV દેખરેખ, ટિકિટિંગ તથા અન્ય આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મહાપ્રબંધકે જણાવ્યું કે ભારતીય રેલવેના 12 લાખથી વધુ કર્મચારી ચોવીસે કલાક મુસાફરોની સુરક્ષિત અને સુવ્યવસ્થિત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે કાર્યરત છે, જેમાં પશ્ચિમ રેલવેના અંદાજે 80000 થી 90000 કર્મચારીઓ સક્રિયપણે જોડાયેલા છે. તેમણે વધુમાં જણાવ્યું કે દિવાળી તહેવાર દરમિયાન મુસાફરોને સફળતાપૂર્વક તેમના ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવ્યા છે અને હવે છઠ્ઠ પૂજાના અવસરે શક્ય ભીડને ધ્યાનમાં રાખીને વધારાની વિશેષ તેમજ અનારક્ષિત વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.
સ્ટેશન નિરીક્ષણ બાદ ગુપ્તાએ અમદાવાદ વીરમગામ સેકશન ના વિન્ડો ટ્રેલિંગ સંરક્ષા ઇન્સ્પેક્શન કર્યું, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ કામો, રેલવે ટ્રેક, લેવલ ક્રોસિંગ તથા પોઇન્ટ્સ અને ક્રોસિંગની સ્થિતિનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
આ અવસરે અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ, મુખ્ય પરિયોજના પ્રબંધક (RLDA) સંજીવ કુમાર સહિત અન્ય વરિષ્ઠ રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ