
ગાંધીનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ અંતર્ગત સખી મંડળોના સહારે વિકાસની નવી સફરની શરૂઆત કરતી, અને આત્મનિર્ભર બનતી મહિલાઓની અઢળક ગાથાઓ, આત્મનિર્ભર ભારતના ભવિષ્યમાં અજવાળા ફેલાવવા તત્પર છે.
જેમાં ગાંધીનગર જિલ્લાની વાત કરવામાં આવે તો, જિલ્લાના ગ્રામહાટ, અક્ષરધામ ખાતે, ‘ઉર્વવન સખી મંડળ’ના પૂર્વીબા સોલંકી દ્વારા હેન્ડ વર્ક થકી ઘર સજાવટની વસ્તુઓ બનાવી આત્મા નિર્ભર બનવા તરફ પ્રયાણ કરવામાં સરકાર સહાયક બની હોવાનું જણાવતા, તેઓ ઉમેરે છે કે, બી.કોમના અભ્યાસ પછી નોકરી કરવાની ઈચ્છા હતી, પરંતુ ઘર, નોકરી, પરિવાર, બાળકો બધું એક સાથે સંભાળવું એકલાં હાથે શક્ય ન હતું. પરંતુ પોતાની અલગ ઓળખ બનાવવાની પૂર્વીબાની વર્ષો જૂની ઈચ્છા આજે પણ જીવંત હતી, જેના માટે તેમણે વર્ષો જૂના તેમના શોખને માધ્યમ બનાવ્યું. હસ્તકલા કારીગીરી દ્વારા તોરણ, રંગોળી ,ચાટલા, શુભ-લાભ વગેરે જેવી સુશોભનની વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી, પરંતુ આ કામગીરીમાં તેમના હાથની કમાલ ઘર ઘર સુધી પહોંચાડવા તથા, તેમના વ્યવસાયને આગળ વધારવા હજુ કોઈ મજબૂત માધ્યમની જરૂર હતી, તેવા સમયે સરકાર અને સખી મંડળના માધ્યમથી તેમને પ્રગતિની નવી રાહ મળી. જેમાં પૂર્વીબાને કાચો માલ સામાન લાવવાની સહાય પણ મળી, અને સરકારે ગ્રામહાટમાં નિશુલ્ક જગ્યા આપી વેચાણનો માર્ગ પણ ખોલી આપ્યો.
આ અંગે પૂર્વી બા જણાવે છે કે, પહેલા એવું લાગતું કે આ તોરણ, ચાટલા, રંગોળી કોણ ખરીદશે!, કારણકે નવા જમાનામાં આ બધું ‘આઉટ ઓફ ફેશન’ કહી ત્યજી દેવામાં આવે છે, પરંતુ આ ચિંતાથી પણ સરકારે મુક્તિ અપાવી દીધી. ‘લોકલ ફોર વોકલ’ અને ‘સ્વદેશી અભિયાન’ દ્વારા સરકારની પહેલથી હવે લોકો સ્વદેશી વસ્તુઓ તરફ વળ્યા છે, અને ‘હેન્ડ મેડ’ તથા ‘મેડ ઇન ઇન્ડિયા’ જોઈ સારા ભાવે ખરીદી પણ રહ્યા છે. જેમાંથી અમારા જેવી ઘરેથી રોજગાર કરતી મહિલાઓ અને નાના કારીગરોની રોજગારી વધી છે. તથા દેશ આત્મનિર્ભર બનવા સાથે અમે પણ સમાજમાં સન્માન સાથે આત્મનિર્ભર બની રહ્યા છીએ.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ