
વલસાડ, 25 ઓક્ટોબર (હિ.સ.) : વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારની સાઈ પાર્ક સોસાયટીમાં લાભ પાંચમની વહેલી સવારે તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ અજાણ્યા તસ્કરોએ કુલ ચાર મકાનોને નિશાન બનાવ્યાં હતાં, જેમાંથી ત્રણ મકાનમાં તેઓ નિષ્ફળ રહ્યા, જ્યારે એક મકાનમાંથી ચોરી કરવામાં સફળ રહ્યા હતા.
સોસાયટીમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં તસ્કરોની આખી હરકત કેદ થઈ ગઈ હતી. સવારે રહેવાસીઓએ ફૂટેજ તપાસતા ચોરીના પ્રયાસની વાત બહાર આવી હતી. ઘટનાની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.
હાલ પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે અને તેમની શોધખોળ માટે કામગીરી તેજ કરી છે. સોસાયટીના રહેવાસીઓમાં આ બનાવ બાદ ચિંતા ફેલાઈ છે અને રાત્રીના પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે