
સુરત, 25 ઓક્ટોબર (હિ.સ.) સુરતના ભેસ્તાન વિસ્તારમાં યુવકની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ભીંડી બજાર પાસે આવેલા એક ટી સેન્ટર પર જૂની અદાવતને લઈને બે યુવકો પર ચપ્પુ અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઉત્તર પ્રદેશના મૂળ વતની એક સગીર શકીલનું મોત થયું છે, જ્યારે તેનો મિત્ર અલ્લુ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસ મુજબ, મૃતક શકીલ અને હુમલાખોર વચ્ચે અગાઉના તણાવને કારણે વિવાદ ચાલી રહ્યો હતો. ઘટનાના સમયે આરોપીઓએ શકીલને કહ્યું કે, તમે મારા મિત્રને ઠપકો કેમ આપ્યો? ત્યારબાદ તેના પર હુમલો કર્યો હતો.
હુમલા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા આ કેસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ત્રણ શખ્સો સામે ગંભીર ગુનો નોંધાયો છે. ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું કે ફરાર આરોપીઓની શોધખોળ માટે ચાર અલગ અલગ ટીમો બનાવી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં ધરપકડ થશે.
આ બનાવથી ભેસ્તાન વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે અને સ્થાનિકોમાં સુરક્ષા અંગે ચર્ચા શરૂ થઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે