
અમરેલી, 25 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગોહિલ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ મહોત્સવની પોથીયાત્રા ભક્તિભાવે અને ધામધૂમથી યોજાઈ હતી. આ પવિત્ર યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને સમગ્ર શહેરમાં ભક્તિ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો.
પોથીયાત્રા માનવ મંદિરથી વિધિવત્ પૂજન બાદ પ્રારંભ થઈ હતી, જેમાં સંતો, મહંતો, વેદપાઠી બ્રાહ્મણો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે માનવ મંદિરના મહંત ભક્તિ બાપુ અને વિજય બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ભક્તોને આશીર્વચન આપ્યા હતા. પોથીયાત્રા દરમિયાન ભગવત ધ્વજ, રથયાત્રા, ભજન-કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
યાત્રા ગામના મુખ્ય માર્ગોથી ભવ્ય સ્વરૂપે ફરાવવામાં આવી હતી, જ્યાં ગામજનો ફૂલોની વર્ષા કરીને પોથીયાત્રાનું સ્વાગત કર્યું હતું. ધાર્મિક ઉત્સાહ વચ્ચે ભક્તોએ હરિધૂનના નાદ સાથે પવિત્ર ગ્રંથની મહિમા ગાઈ હતી.
આ પ્રસંગે ગોહિલ પરિવારના સભ્યો તથા સ્થાનિક શ્રદ્ધાળુઓના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. અંતે મહંતોના આશીર્વાદ બાદ પ્રસાદ વિતરણ સાથે પોથીયાત્રાનો સમાપન કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai