




પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.): ત્રિપુરાના ચાર ધારાસભ્યઓ સહિત કુલ 11 સભ્યોનું પ્રતિનિધિ મંડળ આગામી તા. 31 ઓક્ટોબર, 2025 સુધી ગુજરાતના પ્રવાસે છે, જે અન્વયે આજે તેમણે પોરબંદર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિમંદિરની મુલાકાત કરી હતી. જ્યાં તેમનું સૂતરની આંટી પહેરાવી સ્વાગત કરાયું હતું. ત્રિપુરાના ધારાસભ્ય સર્વે સ્વપ્ના દેબબર્મા, માનબ દેબબર્મા, રામુ દાસ અને નયન સરકાર સહિતના કુલ 11 સભ્યોએ ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત લઈ સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને આત્મસાત કરીને ભાવભીના શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગાંધી જ્યંતીના દિવસે લોકાર્પણ કરેલ માહિતી સભર ક્યુઆર કોડ સ્કેન કરીને સ્થાપત્ય અને ઈતિહાસની ઝાંખી મેળવી હતી.
પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત બાદ આ પ્રતિનિધિ મંડળે કૃષ્ણ સખા સુદામાજીના મંદિરની પણ મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી. મંદિર પરીસરમાં આવેલ લખચોરાસી પરીક્રમાંના પણ દર્શન કર્યા હતા. પ્રતિનિધી મંડળે પોરબંદર જિલ્લાની વિવિધ મુલાકાતો દરમ્યાન પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસ કાર્યોની નોંધ લીધી હતી. આ મુલાકાત દરમ્યાન પોરબંદર શહેર મામલતદાર ભરતભાઈ સંચાણીયા પણ હાજર રહ્યા હતા. કીર્તિ મંદિર સંચાલન સમિતિ દ્વારા અહીં ઉપલબ્ધ સુવિધાઓ અને પ્રવાસીની મુલાકાતો અંગેની માહિતીથી પણ વાકેફ થયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya