

પોરબંદર, 31 ઓક્ટોબર (હિ.સ.) : ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળ કાર્યરત નાણાંકીય સેવા વિભાગના માર્ગદર્શન હેઠળ “Unclaimed Financial Assets Campaign” — “તમારી મૂડી, તમારો અધિકાર” અભિયાન અંતર્ગત જિલ્લા લીડ બેંક દ્વારા તા.1 નવેમ્બર, 2025(શનિવાર)ના રોજ સવારે 10:00 કલાકે, બિરલા હૉલ, એમ. જી. રોડ, વાડિયા પેટ્રોલ પંપ પાસે, પોરબંદર ખાતે જિલ્લા સ્તરીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં તમામ બેંકો અને નાણાંકીય સંસ્થાઓ પોતાના સ્ટૉલ રાખશે, જ્યાં નાગરિકોને તેમની બિનદાવાવાળી થાપણ રકમો (Unclaimed Deposits) તેમજ DEAF (Depositor Education and Awareness Fund) દાવાઓ સંબંધિત માહિતી, ચકાસણી અને તાત્કાલિક નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવશે.
જિલ્લાના નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ કેમ્પમાં વધેલા ઉત્સાહ સાથે ઉપસ્થિત રહી પોતાની અથવા કુટુંબની અનક્લેમ્ડ રકમ તથા નિષ્ક્રિય ખાતાઓ સંબંધિત માહિતી મેળવી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરે અને પોતાના અધિકારનો લાભ મેળવે.
એસ.બીઆઈ પોરબંદરના રિજીયનલ મેનેજર યશવંતકુમાર સિંધએ જણાવ્યું કે “તમારી મૂડી, તમારો અધિકાર” અભિયાનનો હેતુ નાગરિકોને પોતાની મૂડી પર અધિકાર પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવો અને નાણાકીય જાગૃતિ વધારવાનો છે. દસ વર્ષથી વધુ સમયથી લેનદેન ન થયેલા ખાતાઓ તથા DEAF દાવા સંબંધિત રકમ નાગરિકોને પરત મળે તે માટે આ અભિયાન મહત્વપૂર્ણ છે.વધુમાં તેમણે જણાવ્યું કે પોરબંદર જિલ્લામાં આશરે 90,000 જેટલા ખાતા નિષ્ક્રિય છે, જેમાં કુલ મળીને રૂ. 47.65 કરોડ જેટલી રકમ બિનદાવાવાળી છે. જિલ્લાની બેંકોને સંબંધિત ખાતાધારકો તથા તેમના વારસદારોનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. તેમણે જિલ્લામાં યોજાનાર આ કેમ્પમાં સર્વ નાગરિકોને ભાગ લેવા અનુરોધ કર્યો છે જેથી આ અભિયાનને સફળતા મળે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya