
જૂનાગઢ, 31 ઓક્ટોબર (હિ.સ.) : દર વર્ષે તારીખ ૩૧-૧૦-૨૦૨૫ ના રોજ રાષ્ટ્રીય એકતાના પ્રતિક સમાન મહાન સ્વાતંત્ર્ય સેનાની, એક અને અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અનુસાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે રાષ્ટ્રીય એકતા દિવસ જાહેર કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે આજરોજ સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે રન ફોર યુનિટી/ એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું છે.
જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જૂનાગઢ શહેર ખાતે બહાઉદ્દીન કોલેજથી સરદાર પટેલ પ્રતિમા ચોક સુધી એકતા દોડ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં જન પ્રતિનિધિઓ અને નાગરિકોએ ભાગ લીધો હતો. મહેમાઓએ ઝંડી દર્શાવીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.
કાર્યક્રમમાં મંચસ્થ મહેમાનોનું સરદાર પટેલની તસવીર આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું. રેલીના અંતે સરદાર પટેલજીની પ્રતિમાને મહાનુભાવોએ શ્રદ્ધાપૂર્વક સુતરની આંટી અર્પણ કરી હતી. તેમજ ઉપસ્થિત સર્વેએ રાષ્ટ્ર એકતા જાળવી રાખવાના શપથ ગ્રહણ કર્યા હતા.
આ તકે કાર્યક્રમના અધ્યક્ષ અને સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રીય એકતા માટે હર હંમેશ કાર્યરત રહેવા જણાવ્યું હતું.
તેઓએ જણાવ્યું હતું કે, જૂનાગઢને આજે જે મહામૂલી આઝાદી મળી છે તે આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાની શ્રી સરદાર પટેલજીની પ્રેરણા, કટિબદ્ધતા અને કર્તવ્ય નિષ્ઠાથી જ પ્રાપ્ત થઇ છે. ભારતના ૫૬૦ રજવાડાઓના વિલીનીકરણનું તેઓએ ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું. જેના ભાગરૂપે જૂનાગઢમાં આરઝી હકૂમતની શરૂઆત થઇ હતી અને તેના પગલે જ જૂનાગઢ આજે એક અખંડ અને મહાન ભારત રાષ્ટ્રનો એક ગૌરવપૂર્ણ ભાગ બન્યું છે. ત્યારે સર્વે જૂનાગઢવાસીઓની એ જવાબદારી બને છે કે તેઓ રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ વિકાસના પવિત્ર કાર્યમાં જિલ્લા વહીવટી તંત્રને તેનો સહયોગ આપે તે અતિ આવશ્યક છે.
કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, જિલ્લા ભાજપ વડા ગૌરવભાઈ રૂપારેલીયા, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, વિવિધ વિભાગના અધિકારીગણ, કર્મચારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, બાળકો, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં જન સામાન્ય હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ