



ગાંધીનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) લોહપુરુષ અને ભારતની એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વર્ણિમ પાર્ક ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યાંથી ફલેગ ઓફ કરાવી રન ફોર યુનિટીનો શુભારંભ કરાવ્યો હતો. આ દોડ સ્વર્ણિમ પાર્ક ખાતેથી મહાત્મા મંદિર, ટાઉનહોલ થઈ ફરી સ્વર્ણિમ પાર્ક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સર્વે ઉપસ્થિતોએ દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વની જાળવણી અને રક્ષણના સંકલ્પ લીધા હતા.
એકતાની આ દોડમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મેયર મીરા પટેલ, ક્લેક્ટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલ, મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાઘેલા, એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટી સહિત અન્ય મહાનુભાવો તથા પોલીસ વિભાગ અને ફોરેસ્ટ વિભાગના જવાનો, ડી.એલ.એસ.એસ.ના વિદ્યાર્થીઓ તથા બહોળી સંખ્યામાં ગાંધીનગરવાસીઓએ ઉત્સાહપૂર્વક દોડ લગાવી એકતા પર્વની ઉજવણી કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ