

પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.) : દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે શુક્રવારે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી. પાટણ શહેરમાં પણ વિવિધ સામાજિક સંગઠનો અને રાજકીય પક્ષોએ સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
બગવાડા દરવાજા સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પાટણ જિલ્લા ભાજપ, કોંગ્રેસ સમિતિ અને ભારત વિકાસ પરિષદ સહિતના સંગઠનો દ્વારા માલ્યાર્પણ કરાયું હતું. આ પ્રસંગે ‘સરદાર પટેલ અમર રહો’ના નારા સાથે દેશભક્તિનું વાતાવરણ સર્જાયું હતું.
સરદાર યુથ ફાઉન્ડેશન દ્વારા કનસાડા દરવાજાથી રેલી કાઢી બગવાડા ખાતે પ્રતિમાને માલ્યાર્પણ કરાયું હતું. આ ઉપરાંત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, પાટણ નગરપાલિકા અને રાજપુર ગામના ગ્રામજનો દ્વારા પણ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી રાષ્ટ્રીય એકતા દિવસ ઊજવાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ