



પોરબંદર, 5 નવેમ્બર (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકાના કેટલાક વાહનો ટ્રાફિક નિયમનો ભંગ કરીને દોડે છે,તેવી ફરીયાદ થતા ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરીને ચાર વાહનોને ડિટેઇન કર્યા છે ત્યારે આ રજુઆત કરનાર જાગૃત નાગરિકે એવું જણાવ્યુ હતુ કે મ્યુનિસિપલ કમિશ્નરના વાહનમાં પણ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન થતુ હશે તો ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવામાં આવશે.
પોરબંદરના જાગૃત નાગરિક અને આર.ટી.આઇ.એકટીવીસ્ટ રમેશ માલદેભાઇ ઓડેદરા દ્વારા એવી ફરીયાદ કરવામાં આવી હતી કે, પોરબંદર મહાનગરપાલિકાના અનેક વાહનો નિયમ વિરૂદ્ધ દોડી રહ્યા છે તેથી તેઓની સામે કાર્યવાહી કરવી જોઈએ આ પ્રકારની ફરીયાદ બાદ ટ્રાફિક શાખા હરકતમાં આવી હતી અને તપાસ હાથ ધરીને ચાર વાહનોને ડિટેઇન કર્યા છે.પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ પોરબંદર જીલ્લામાં અકસ્માતો નિવારવા માટે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા ટ્રાફિક પોલીસ ઇન્સ.એમ.એલ.આહિરને સૂચના આપેલ હોય જે સૂચના મુજબ નિયમિત કાર્યવાહી કરવામા આવે છે.ટ્રાફિક શાખાના પોલીસ ઈન્સ.ના ધ્યાનમાં આવેલ કે પોરબંદર મહાનગરપાલિકાના વાહનો નંબર પ્લેટ વિનાના તેમજ અપુરતા દસ્તાવેજો વિના ટ્રાફિક નિયમોનો ભંગ કરી શહેરમાં ફરે છે જેથી ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેકટર તથા પી.એસ.આઈ. દ્વારા મહાનગરપાલિકાના વાહનોનું ચેકિંગ હાથ ધરતા આ ચેકિંગ દરમ્યાન બે ડમ્પર,ટેન્કર,છોટા હાથીવાળા અપુરતા દસ્તાવેજો,નંબર પ્લેટ વિના ખામીયુક્ત ટ્રાફિક નિયમોના ભંગ કરતા મળી આવતા ઉપરોક્ત તમામ વાહનોને એમ.વી.એકટ કલમ-207 મુજબ ડીટેઈન કરી ટ્રાફિક શાખા પોરબંદર ખાતે રાખવામાં આવેલ આ ઉપરાંત ટ્રેકટર પી.યુ.સી. વિના મળી આવતા સ્થળ દંડ રૂ.500 નું ચલણ આપવામાં આવેલ હતુ.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya