
અમરેલી, 16 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં વીજળી સંબંધિત સેવાઓને વધુ સુગમ અને અસરકારક બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમરેલી પીજીવીસીએલ (PGVCL) હસ્તક હાલ કાર્યરત અમરેલી ગ્રામીણ પેટા વિભાગની એકમાત્ર કચેરીનું વિભાજન કરી નવી અમરેલી ગ્રામીણ-2 પેટા વિભાગ કચેરીની રચનાને ખાસ કિસ્સામાં મંજૂરી આપવામાં આવી છે. આ માંગણી સ્થાનિક લોકો દ્વારા લાંબા સમયથી ઉઠાવવામાં આવી રહી હતી.
ગ્રામીણ વિસ્તારોમાં વધતી વસ્તી, ખેતી આધારિત વીજ માંગ અને ફરિયાદોની સંખ્યાને ધ્યાનમાં રાખીને કચેરીનું વિભાજન જરૂરી બન્યું હતું. આ બાબતે સ્થાનિક આગેવાનો અને જનતા દ્વારા રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી કૌશિક વેકરિયાને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ રાજ્યમંત્રીએ સત્તા સંભાળ્યાના માત્ર દોઢ માસની અંદર જ ખાસ કિસ્સામાં નવી કચેરીની રચનાને મંજૂરી આપતા ઊર્જા વિભાગને જરૂરી હુકમો કરવા નિર્દેશ આપ્યા હતા.
આ બાબતે રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમારા પ્રતિનિધિ મિલાપ રૂપારેલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, નવી અમરેલી ગ્રામીણ-2 પેટા વિભાગ કચેરી માટે કુલ 44 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. જેમાંથી 35 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે અને 9 જગ્યાઓ હાલની અમરેલી ગ્રામીણ પેટા વિભાગ-1માંથી સ્થાનાંતરિત કરવામાં આવશે. આથી સ્ટાફની અછત દૂર થશે અને ફરિયાદોના ઝડપી નિવારણમાં મદદ મળશે.
ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષ પહેલાં અમરેલી શહેરમાં વીજ સમસ્યાઓ હળવી કરવા માટે શહેરની વીજ કચેરીનું વિભાજન કરી અમરેલી શહેરને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું, જેના સકારાત્મક પરિણામો જોવા મળ્યા હતા. હવે એ જ રીતે અમરેલી ગ્રામીણ પેટા વિભાગનું વિભાજન થવાથી ગામડાં વિસ્તારોમાં પણ વીજ પુરવઠા સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે અને ખેડૂતો તેમજ ગ્રામજનોને ઝડપી અને અસરકારક સેવા મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai