
અમરેલી, 16 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના પોલીસ વિભાગ માટે ધારી પોલીસ સ્ટેશન અને એસ.ડી.પી.ઓ. ધારી કચેરી એક આદર્શ રૂપે ઉભરી આવી છે. શિસ્તબદ્ધ કામગીરી, ઉચ્ચ સ્તરની સેવા ગુણવત્તા તથા આધુનિક વ્યવસ્થાપક પ્રણાલીના અમલ બદલ ધારી પોલીસ સ્ટેશન અને એસ.ડી.પી.ઓ. ધારી કચેરીને પ્રતિષ્ઠિત ISO 9001:2015 ગુણવત્તા પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ પ્રમાણપત્ર દ્વારા બંને કચેરીઓની કામગીરીને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુણવત્તાની માન્યતા મળી છે.
ISO 9001:2015 પ્રમાણપત્ર માટે કરવામાં આવેલા મૂલ્યાંકનમાં ધારી પોલીસ સ્ટેશનની ફરિયાદ નોંધણી અને નિવારણ પ્રક્રિયામાં સુગમતા, ઝડપી અને પારદર્શક દસ્તાવેજીકરણ, તેમજ રેકોર્ડ સંચાલનમાં ચોકસાઈને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. સાથે સાથે મહિલા, બાળકો તથા વરિષ્ઠ નાગરિકો માટે સંવેદનશીલ અને સહાનુભૂતિપૂર્ણ પોલીસ સેવા પણ મહત્વપૂર્ણ માપદંડ તરીકે જોવામાં આવી હતી.
આ ઉપરાંત ટેકનોલોજી આધારિત પોલિસિંગના ક્ષેત્રમાં E-GUJCOP, CCTV મોનીટરીંગ અને સાયબર સહાય જેવી આધુનિક સુવિધાઓના અસરકારક ઉપયોગ, તેમજ પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ અને સહભાગિતામાં થયેલા વધારાનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ તમામ માપદંડોમાં ધારી પોલીસ સ્ટેશન અને એસ.ડી.પી.ઓ. ધારી કચેરીએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે.
આ સિદ્ધિ ધારી પોલીસ સ્ટેશન તથા એસ.ડી.પી.ઓ. ધારી કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓના સંયુક્ત પ્રયત્નો, શિસ્તબદ્ધ કામગીરી અને વ્યાવસાયિક અભિગમનું પરિણામ છે. તેમની ટીમવર્ક ભાવના અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાએ આ સફળતા અપાવી છે. ધારી પોલીસ સ્ટેશનને મળેલ આ સિદ્ધિથી અમરેલી જિલ્લાના પોલીસ વિભાગની પ્રતિષ્ઠા વધેલી છે અને અન્ય પોલીસ સ્ટેશનો માટે પણ તે પ્રેરણારૂપ ઉદાહરણ બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai