
પાટણ, 16 ડિસેમ્બર (હિ.સ.) પાટણ રેલવે બ્રિજ પર વન-વે નિયમનો સતત ભંગ થવાથી વાહનચાલકો પરેશાન બન્યા છે. આજે વળાંક પાસે એક લક્ઝરી બસ ફસાઈ જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે અનેક વાહનચાલકોને લાંબો સમય અટવાવું પડ્યું હતું.
બ્રિજ પર એક બાજુનો માર્ગ વન-વે હોવા છતાં સામસામે વાહનો લાવવામાં આવતા હોવાથી અકસ્માતનો ભય વધી ગયો છે. આ નિયમભંગને કારણે બસ વળાંકમાં અટવાઈ ગઈ અને કેટલાક વાહનચાલકોને રિવર્સ લેવા પડતા ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ હતી.આ સ્થિતિને લઈ સ્થાનિકો અને વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે પોલીસ પોઈન્ટ મૂકીને નિયમોનું કડક પાલન કરાવવાની માંગ કરી છે. સાથે જ ચિંતા વ્યક્ત કરી છે કે નવું બસ સ્ટેશન શરૂ થયા બાદ અહીં વાહનોની અવરજવર વધશે, તેથી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાં જરૂરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ