
પાટણ, 17 ડિસેમ્બર (હિ.સ.) પાટણ LCB પોલીસે હાંસાપુર ગામમાં દરોડો પાડી રૂ. 4.16 લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઘટનાસ્થળેથી એક આરોપીની ધરપકડ કરી પોલીસે દારૂ, વોક્સવેગન કાર અને મોબાઈલ સહિત કુલ રૂ. 11.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે LCB પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ નાઇટ પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. દરમિયાન હાંસાપુર ગામની ડેરી પાછળના વાડા વિસ્તારમાં કાળી વોક્સવેગન કારમાં વિદેશી દારૂ આવવાની બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી પટેલ સૌરભ ઉર્ફે બોડો જયંતિલાલને ઝડપી લીધો હતો.
તપાસમાં કારમાંથી 378 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પૂછપરછમાં ખુલ્યું કે દારૂ રાજસ્થાનના જોધપુરથી લક્ઝરી બસ મારફતે મોકલાયો હતો. પોલીસે પકડાયેલા આરોપી સહિત દારૂ મોકલનાર અને ડિલિવરી આપનાર ત્રણ શખ્સો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ