
- જીબીયુના વિદ્યાર્થીઓ વધુ એક ક્રાંતિકારી આવિષ્કારની દિશામાં..
- વિક્રમ સારાભાઈ સાયન્સ સેન્ટરના પ્રતિષ્ઠિત‘WAAH સાયન્સ લોરિએટ એવોર્ડ 2025’ માં જીબીયુની ‘ટીમ ઇમ્મુનોસ્ટેટ’ વિજેતા.
ગાંધીનગર,18 ડિસેમ્બર (હિ.સ.) ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી-GBUના વિદ્યાર્થીઓએ તબીબી વિજ્ઞાનના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. નિઃસંતાન દંપતીઓ માટે આશાનું કિરણ ગણાતી આઈવીએફ (IVF) પદ્ધતિમાં વારંવાર મળતી નિષ્ફળતાને રોકવા માટે આ વિદ્યાર્થીઓએ mRNA-આધારિત એક અદ્યતન થેરાપી વિકસાવી છે. આ નવતર સંશોધન બદલ અમદાવાદ સ્થિત વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) દ્વારા આજે આયોજિત ‘WAAH સાયન્સ લોરિએટ એવોર્ડ્સ 2025’ માં ‘યંગ લોરિએટ’ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. આ ટીમમાં ટીમ લીડર તરીકે પ્લાન્ટ બાયોટેકનોલોજીના અરિન જૈન તેમજ મેડિકલ બાયોટેકનોલોજીની સંસ્કૃતિ તથા મેડિકલ બાયોટેકનોલોજીના ભૂતપૂર્વ વિદ્યાર્થીની શુભાંગી ઝાનો સમાવેશ થાય છે.
આજકાલ અનેક દંપતીઓ ગર્ભધારણ માટે આઈવીએફ જેવી આધુનિક પ્રક્રિયાનો સહારો લે છે, પરંતુ આંકડા દર્શાવે છે કે પ્રથમ પ્રયાસમાં લગભગ 40 થી 50 ટકા કિસ્સાઓમાં નિષ્ફળતા મળે છે. તેનું મુખ્ય કારણ ‘રિકરન્ટ ઇમ્પ્લાન્ટેશન ફેલ્યોર’ (RIF) છે, જેમાં ભ્રૂણ ગર્ભાશયની દીવાલ સાથે સફળતાપૂર્વક જોડાઈ શકતું નથી.
આ પડકારને પહોંચી વળવા જીબીયુની ‘ટીમ ઇમ્મુનોસ્ટેટ’ એ એક ખાસ mRNA કન્સ્ટ્રક્ટ તૈયાર કર્યું છે. આ ટેકનોલોજી ગર્ભાશયના આંતરિક સ્તરો (Epithelial અને Stromal layers)ની સ્થિરતામાં નોંધપાત્ર વધારો કરશે અને તેને ગર્ભ ધારણ કરવા માટે વધુ સક્ષમ બનાવશે. આ ક્રાંતિકારી થેરાપીના ઉપયોગથી ભવિષ્યમાં આઈવીએફના સફળતાના દરમાં મોટો બદલાવ આવશે તેવી પ્રબળ આશા સેવાઈ રહી છે.
VASCSC દ્વારા આયોજિત આ સ્પર્ધા ‘સાયન્સ ફોર સોસાયટી’ થીમ પર આધારિત હતી, જેમાં દેશભરની અનેક ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. જીબીયુની ટીમે સાબિત કર્યું કે વિજ્ઞાનનો સાચો ઉપયોગ જનસામાન્યની વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવા માટે થવો જોઈએ. આ સિદ્ધિ બદલ ટીમને રૂ.50000ની સ્કોલરશિપ અને યંગ લોરિએટ એવોર્ડ જ્યારે ડો રોહિણી નાયરને પણ રૂ. 15000/-ની ફેલોશિપ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું.
ટીમ ‘ઇમ્મુનોસ્ટેટ’ને મેડિકલ બાયોટેકનોલોજીના પ્રોફેસર ડૉ. રોહિણી આર. નાયર દ્વારા મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ડૉ. નાયર પોતે સંશોધન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવે છે. તેઓ પ્રતિષ્ઠિત ‘મેરી-ક્યુરી કો-ઇન્વેસ્ટ ફેલોશિપ’ (Marie-Curie Co-Invest Fellowship) અને ‘રામલિંગસ્વામી રી-એન્ટ્રી ફેલોશિપ’ મેળવી ચૂક્યા છે.તાજેતરમાં જ તેમને ‘ગેટ્સ ફાઉન્ડેશન ઇન્ડિયા’ (Gates Foundation India) તરફથી મહત્વપૂર્ણ સંશોધન ગ્રાન્ટ પણ પ્રાપ્ત થઈ છે. ડૉ. રોહિણી નાયરે આ સિદ્ધિ અંગે ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ એવોર્ડ યુનિવર્સિટીમાં વિકસતી મજબૂત સંશોધન સંસ્કૃતિ અને વિદ્યાર્થીઓની બાયોમેડિકલ ક્ષેત્રમાં નવીન અને અસરકારક ઉકેલો રજૂ કરવાની ઉત્કૃષ્ટ ક્ષમતા દર્શાવે છે.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિ ભારત સરકારની નવી BioE3 નીતિ (Biotechnology for Economy, Employment and Environment) ના ઉદ્દેશો સાથે સુસંગત છે. વડાપ્રધાનના ‘વિકસિત ભારત @ 2047’ ના દ્રષ્ટિકોણ અને રાજ્ય સરકારના ટેકનોલોજી આધારિત વિકાસના અભિગમને સાકાર કરવામાં આ સંશોધન પાયારૂપ સાબિત થશે. સંસ્થાના નાયબ કુલસચિવ અને એકેડમિક વિભાગના વહીવટી વડા વિમલ શાહે આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આખા ગુજરાતમાં જીબીયુ એકમાત્ર યુનિવર્સિટી છે જ્યાં ભારતના 17 રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને સંશોધન કરવા માટે માસ્ટર્સ ડિગ્રી કરવા આવે છે અને આ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના ઇન્ડસ્ટ્રી અને સોસાયટીને મદદરૂપ થઇ શકે એવા સંશોધનો માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તાજેતરમાં યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ થયેલ એક વિદ્યાર્થીને અમેરિકાની પ્રતિષ્ઠિત જ્યોર્જિયા યુનિવર્સિટીમાં પીએચડી કરવા માટે રૂ. એક કરોડની ફેલોશીપ મળેલ છે જે યુનિવર્સિટી માટે ગૌરવની વાત છે.
પ્રોડક્ટ-ઓરિએન્ટેડ સંશોધન દ્વારા ભવિષ્ય માટે બાયોટેક વ્યાવસાયિકો તૈયાર કરવા ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી (જીબીયુ) એ ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત, વિશ્વની પ્રથમ સમર્પિત બાયોટેકનોલોજી યુનિવર્સિટી છે. GIFT સિટી પાસે 23 એકરમાં ફેલાયેલી આ યુનિવર્સિટી સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ સાથેના સહયોગથી શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ