




પોરબંદર, 19 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરના નટવરસિંહજી ક્લબ ખાતે કેબિનેટ મંત્રી અર્જુનભાઈના હસ્તે સ્વદેશી મેળો–સશક્ત નારી મેળોનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ મેળો તા. 19 થી 21 ડિસેમ્બર સુધી યોજાનાર છે.
મેળાના આયોજન અંગે માહિતી આપતા પોરબંદર જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ એજન્સીના ડાયરેક્ટર રેખાબા સરવૈયાએ જણાવ્યું હતું કે, સશક્ત નારી મેળામાં સખી મંડળની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા ગૃહસુશોભન સામગ્રી, કિચનવેર તેમજ મહિલાઓને ઉપયોગી વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.શહેર તથા જિલ્લાનાં નગરજનોને આ મેળામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા તેમજ વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સ્વદેશી અભિયાન અને મહિલા સશક્તિકરણના વિઝનને આગળ ધપાવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ગુજરાત લાઇવલિહુડ પ્રમોશન કંપની (GLPC), ગાંધીનગર દ્વારા “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેળાના માધ્યમથી મહિલાઓના યોગદાનને ઉજાગર કરવા સાથે તેમને તેમના ઉત્પાદનો માટે યોગ્ય પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. ‘સશક્ત નારી મેળા’ થકી મહિલા ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વ-સહાય જૂથો (SHGs), મહિલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ તથા વ્યવસાયિકોના પ્રયાસોને પ્રોત્સાહન આપવામાં આવે છે.
મેળાના શુભારંભ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરી સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya