
જામનગર, 19 ડિસેમ્બર (હિ.સ.) જામનગરના ૩૩ વર્ષના નાયબ મામલતદારનું હદયરોગના હુમલાથી મૃત્યુ થતાં પરિવારજનો અને સરકારી કર્મચારીઓમાં આઘાત અને ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. તેઓ પરિવાર સાથે મહારાષ્ટ્ર ફરવા ગયા હતાં ત્યાં આવેલો હાર્ટએટેક જીવલેણ નિવડયો હતો. તેઓના નિધનથી પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલારમાં છેલ્લાં ઘણાં સમયથી યુવાનોમાં હદયરોગના હુમલાનું પ્રમાણ ચિંતાજનક રીતે વઘ્યું છેે. ત્યારે વધુ એક યુવાનનું હદયરોગના હુમલાથી મૃત્યુ નિપજયું છે.
બનાવની મળતી વિગત અનુસાર મૂળ લાલપુર તાલુકાના ભણગોર ગામના રહેવાસી હાલ જામનગર પટેલકોલોનીમાં શેરી નં.૯માં રહેતા અને સ્ટેમ્પ ડયુટી કચેરીમાં નાયબ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ અનિરૂઘ્ધસિંહ જાડેજા ( પરિવાર સાથે મહારાષ્ટ્ર ફરવા ગયા હતાં. જયાં દિવ્યરાજસિંહને અચાનક ગઇકાલે હદયરોગનો હુમલો આવ્યો હતો. જે જીવલેણ નિવડતા તેઓનું મૃત્યુ નિપજયું હતું.
આ બનાવની જાણ થતાં પરિવારજનોમાં ભારે આઘાત સાથે શોકની લાગણી ફેલાઇ હતી. નાયબ મામલતદારનું હદયરોગના હુમલાથી મૃત્યુ થતા સરકારી કર્મચારીઓમાં પણ ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે. મૃત્યુ પામનાર નાયબ મામલતદારને સંતાનમાં એક પુત્ર છે. આથી પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નાયબ મામલતદારનો મૃતદેહ આજે સવારે જામનગર પહોંચ્યો હતો. જયાં તેમના નિવાસ સ્થાનેથી સદગતની સ્મશાન યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને સરકારી કર્મચારીઓ ભારે હૈયે જોડાયા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt