


પોરબંદર, 19 ડિસેમ્બર (હિ.સ.)ભારત સરકાર દ્વારા “ટી.બી. મુક્ત ભારત” અભિયાન જાહેર કરવામાં આવ્યું છે. આ અભિયાનના અનુસંધાને પોરબંદર જિલ્લા ક્ષય અધિકારી, જિલ્લા ક્ષય કેન્દ્ર પોરબંદર તથા જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત પોરબંદરની સૂચના મુજબ કુતિયાણા તાલુકા પંચાયત કચેરી ખાતે ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિબિરમાં કુતિયાણા તાલુકાની 30 ગ્રામ પંચાયતોને ટી.બી. મુક્ત પંચાયત તરીકે જાહેર કરવામાં આવી હોવાના અનુસંધાને, આ તમામ ગામોના સરપંચઓ તથા તલાટી કમ મંત્રીઓને પ્રશસ્તિ પત્ર અને મેડલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ટી.બી. રોગના લક્ષણો, સારવાર તથા અટકાયતી પગલાં અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી કુતિયાણા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પરમાર સાહેબ તેમજ કુતિયાણા તાલુકા પંચાયતના સદસ્યઓની ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya