
પાટણ, 19 ડિસેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લા SOG ટીમે સિદ્ધપુર તાલુકાના સેદ્રાણા ગામેથી મેડિકલ ડિગ્રી અને લાયસન્સ વગર સારવાર કરતો એક બોગસ ડોક્ટર ઝડપી પાડ્યો છે. આરોપી લોકોની તપાસ કરી દવાઓ અને ઇન્જેક્શનો આપતો હતો. પોલીસે તેની પાસેથી વિવિધ મેડિકલ સાધનો અને દવાઓ સહિત કુલ ₹4,408.47 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
SOG ટીમના PI જે.જી. સોલંકી, PSI ડી.કે. ચૌધરી તથા અન્ય સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે સેદ્રાણા ગામમાં બસ સ્ટેન્ડ નજીક આવેલી દુકાન પર દરોડો પાડવામાં આવ્યો. ત્યાંથી મેહદી દાવડા નામનો શખ્સ બોગસ રીતે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો મળી આવ્યો.
પકડાયેલ આરોપી મેહદી દાવડા મૂળ હિંમતનગરના કાટવાડનો વતની છે અને હાલ સેદ્રાણામાં રહેતો હતો. પોલીસે તેની સામે BNS તથા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધી કાકોશી પોલીસ સ્ટેશનમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ