

પાટણ, 19 ડિસેમ્બર (હિ.સ.) સિદ્ધપુર તાલુકાના આંકવી અને મેળોજ વિસ્તારમાં કુલ ₹2.90 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું. માર્ગ અને પીવાના પાણીની સુવિધાઓને સુદ્રઢ બનાવવાના હેતુથી આ કાર્યો હાથ ધરાયા છે.
આંકવીથી માનપુરા સુધીના 2.23 કિલોમીટર લાંબા માર્ગનું ₹80 લાખના ખર્ચે રિસરફેસિંગ, ડામર કામ અને રોડ ફર્નિશિંગ શરૂ કરાયું છે. આ માર્ગના નિર્માણથી સ્થાનિક મુસાફરી વધુ સુરક્ષિત અને સુગમ બનશે.
આંકવી–મહાકાળી આશ્રમથી સિદ્ધપુર મેળોજને જોડતા 1.500 કિલોમીટર લાંબા માર્ગના વિકાસ કાર્યનું ₹165 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ માર્ગ ધાર્મિક સ્થળો અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરશે.
ગામમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે ₹45 લાખના ખર્ચે તૈયાર કરાયેલા નવા બોરનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ વિકાસકાર્યોના અમલીકરણથી વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસને વેગ મળશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ