




પોરબંદર, 19 ડિસેમ્બર (હિ.સ.) : વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ–2025 અંતર્ગત પોરબંદર જિલ્લામાં જિલ્લા-સ્તરીય કાર્યક્રમનું આયોજન તાજાવાલા હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો.
આ અવસરે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે પોરબંદર જિલ્લો આગામી સમયમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે. સરકાર દ્વારા પોરબંદરના માળખાગત વિકાસ, પ્રવાસન અને દરિયાકાંઠાના વિસ્તારોના ઉત્થાન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક રોજગારીમાં મોટો વધારો થશે.
મંત્રીએ પોરબંદરના વિકાસની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, પોરબંદરના દરિયાઈ પટ્ટીના વિકાસ અને માછીમારોની સુવિધા માટે જેટી તથા અન્ય આધુનિક માળખાકીય સવલતો ઊભી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, પોરબંદરની ઐતિહાસિક વિરાસતને જાળવી રાખીને તેને પ્રવાસન નકશા પર વધુ મજબૂત બનાવવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પોરબંદરમાં આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવા માટે સરકાર સતત કાર્યરત છે. 'વિકસિત પોરબંદર'ના સંકલ્પ સાથે રસ્તાઓનું નેટવર્ક મજબૂત બનાવવું અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપી સ્થાનિક યુવાનોને સ્વનિર્ભર બનાવવા એ રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે.
જનતાના સહયોગથી પોરબંદરને ગુજરાતનું એક અગ્રગણ્ય જિલ્લો બનાવવામાં કોઈ કસર છોડવામાં આવશે નહીં તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમના અમલ માટે એન્ટ્રપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદ દ્વારા ઇમ્પ્લીમેન્ટિંગ પાર્ટનર તરીકે કામગીરી કરવામાં આવી હતી. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ–2025 નું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ વિવિધ ક્ષેત્રોમાં પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવો તથા ટકાઉ અને દીર્ઘકાળીન વિકાસ માટે રોકાણોને આગળ ધપાવવાનો છે.
ત્રિ-દિવસીય આ આયોજન અંતર્ગત તારીખ 19 અને 20 ડિસેમ્બર દરમિયાન ફૂડ કોન્કલેવ, બ્લૂ ઇકોનોમી, બાયોટેક અને એગ્રી-પ્રોસેસિંગ સ્ટાર્ટઅપ્સ સહિતના વિષયો પર સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તારીખ 21 ડિસેમ્બર સુધી નટવર સિંહજી ક્લબ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કોન્ફરન્સમાં પોરબંદરની ભૌગોલિક વિશેષતાને ધ્યાને લઈ “બ્લૂ બાયો-ઇકોનોમી વિકાસનો રોડમેપ” તથા “એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ કોન્કલેવ” પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે “સશક્ત નારી મેળા”નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે સ્થાનિક કલા અને કૌશલ્યને વૈશ્વિક મંચ પ્રદાન કરશે.
કાર્યક્રમના પ્રથમ દિવસે વિવિધ ઉદ્યોગકારો સાથે એમ.ઓ.યુ. સાઇનિંગ કરવામાં આવ્યા હતા, જેના પરિણામે જિલ્લામાં મોટા પાયે રોકાણ અને રોજગારીની તકો ઊભી થશે. રાજશાખા હોટલ એન્ડ રિસોર્ટના ડિરેક્ટર આકાશ રાજશાખા દ્વારા રૂપિયા 40 કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા, જેના દ્વારા અંદાજે 100 લોકોને રોજગારી મળશે. ઉપરાંત એમએસડી એક્સપોર્ટ પ્રા.લી.ના યાકુબભાઈ ડાંડિયા દ્વારા રૂપિયા 20 કરોડના આઈએમઓયુ કરવામાં આવ્યા હતા, જેના દ્વારા 200થી વધુ લોકોને રોજગારીની તક ઉપલબ્ધ થશે.
કાર્યક્રમ દરમિયાન વાજપાઇ બેન્કેબલ યોજના, લખપતિ દીદી યોજના, મહિલા ખેડૂત સન્માન પત્ર, ડ્રોન દીદી સહિતની યોજનાઓ હેઠળ લાભાર્થીઓને પ્રતિક રૂપે લાભ વિતરણ કરવામાં આવ્યા હતા.
જીએસબીટીએમના ડિરેક્ટર જનરલ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગનો કાર્યભાર સંભાળ્યા બાદ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કોસ્ટલ એરિયામાં માછીમારી સાથે સંકળાયેલા લોકો માટે ચિંતા વ્યક્ત કરી હતી અને આ કાર્યક્રમ તેનું પ્રથમ પગથિયું છે.
ઈડીઆઈઆઈના ડિરેક્ટર ડૉ. સુનીલ શુક્લાએ એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રહેલી તકો અંગે વિગતવાર માહિતી આપી હતી તથા આ કાર્યક્રમના આયોજન બદલ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉદ્યોગસાહસિકોને સેમિનારમાં જોડાવા અપીલ કરી હતી.
એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર આર.એન. ડોડીયા (IAS) દ્વારા વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું અને વિકસિત ભારત @2047ના સ્વપ્નને સાકાર કરવામાં સમિટના યોગદાન અંગે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ સ્વાગત પ્રવચન આપીને સ્વાગત પ્રવચન આપીને જિલ્લાના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ દરમ્યાન મહાનુભાવોના હસ્તે નાબાર્ડ દ્વારા તૈયાર કરાયેલ પોટેન્શિયલ લિંક ક્રેડિટ પ્લાન બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તિકામાં વિવિધ ઉપયોગી સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવેલી છે.
આ કાર્યક્રમ અંતે મંત્રીઅને મહાનુભાવીની વિશેષ ઉપસ્થિતિમાં લોકલ ફોર વિકલ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya