સોમનાથ ખાતે 'ગુજરાતના મત્સ્યોદ્યોગ ક્ષેત્રની સંપૂર્ણ સંભાવનાનો ઉપયોગ' વિષય પર રાષ્ટ્રીય સ્તરનો સેમિનાર યોજાયો
સોમનાથ,20 ડિસેમ્બર (હિ.સ.) મત્સ્યોદ્યોગ ભારતના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ક્ષેત્રનો પૂર્ણ કક્ષાએ વિકાસ કરી કઈ રીતે ભારતની જી.ડી.પી.માં તેમનો હિસ્સો વધારી શકાય તે અંગેનું મનોમંથન કરવા માટે સોમનાથ ખાતે ''ગુજરાતના મત્સ્યોદ્યોગ ક્ષેત્રની સં
સોમનાથ ખાતે 'ગુજરાતના મત્સ્યોદ્યોગ ક્ષેત્રની


સોમનાથ,20 ડિસેમ્બર (હિ.સ.) મત્સ્યોદ્યોગ ભારતના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ક્ષેત્રનો પૂર્ણ કક્ષાએ વિકાસ કરી કઈ રીતે ભારતની જી.ડી.પી.માં તેમનો હિસ્સો વધારી શકાય તે અંગેનું મનોમંથન કરવા માટે સોમનાથ ખાતે 'ગુજરાતના મત્સ્યોદ્યોગ ક્ષેત્રની સંપૂર્ણ સંભાવનાનો ઉપયોગ' વિષય પર રાષ્ટ્રીય સ્તરનો સેમિનાર યોજાયો હતો.

આ સેમિનારમાં મત્સ્યોદ્યોગને ટકાઉ અને સર્વસમાવેશક બનાવવા માટે સંશોધન અને ટેક્નોલોજીના સમન્વય સાથે પ્રોત્સાહન આપવા ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન અને મત્સ્યોદ્યોગ વિભાગના સંયુક્ત ઉપક્રમે સોમનાથ ખાતે આવેલા સાગરદર્શન અતિથીગૃહ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલા મત્સ્યોદ્યોગ ક્ષેત્રની વિકાસ સંભાવનાઓને પારખીને તેનો રોડમાર્ગ કંડાર્યો હતો. તે દિશામાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રને આપણે સમયાનુકૂળ પરિવર્તન કરી ભારતની વિકાસ કડીમાં સહભાગી બનાવવો છે.

આજે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રે સ્પર્ધા રહેલી છે. મત્સ્યોદ્યોગ ક્ષેત્ર પણ તેમાનું એક છે. આ ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકારે ટેક્નોલોજી, સંશોધન અને જરૂરી સહયોગ સહિતના પગલાઓ દ્વારા દેશનો સૌથી મોટો દરિયાકિનારો ધરાવતું ગુજરાત આગળ વધે તે માટે ટેક્નોલોજીના માધ્યમથી ડેટા એકત્ર કરી અને તેના સંશોધનના આધારે વૈશ્વિક સ્પર્ધામાં ટકી શકાય તે પ્રકારનો માહોલ ઉભો કરવો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનની વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે આપણી પાસે તક રહેલી છે. આવતીકાલને સારી બનાવવા માટે તેમજ નવી પેઢીને કંઈક આપીને જઈએ એવા ભાવ સાથે મત્સ્યસંપદામાં મૂલ્યવર્ધન કરીને આપણું ઉત્પાદન વિશ્વમાં વધુને વધુ કઈ રીતે પહોંચાડી શકાય એ દિશાનું મનોમંથન આજના સેમિનારમાં કરવામાં આવે તે માટેનો અનુરોધ તેમણે કર્યો હતો.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે ક્યાં છીએ અને ક્યાં પહોંચી શકાય તેમ છીએ. તેનું દિશાદર્શન આજના ચર્ચાસત્રોમાંથી નીપજેલા નવનીતના આધારે કરવાની તક છે. ઝડપી યુગમાં મત્સ્યોદ્યોગ માત્ર ખાદ્યસુરક્ષાનું સાધન નથી. આપણે ટેક્નોલોજી અને વહીવટી સુધારા સાથે માછીમારોના જીવનધોરણમાં સુધારો પણ લાવવાનો છે.તેમણે માછીમારોને માછીમારી એ નાનું કાર્ય છે, એવું ન સમજી અને તમે સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગનો ભાગ છો, તેમ બનીને કાર્ય કરવા મત્સ્યસંપદાને ‘માઈન્ડ ટૂ માર્કેટ’ના ખ્યાલ સાથે કદમ મિલાવવા અનુરોધ કર્યો હતો.

આપણી પાસે વિશ્વમાં ન હોય એ પ્રકારની માછલી અને ઝિંગા છે. 2340 કિલોમીટરનો દરિયાકિનારો છે, ત્યારે તેનો ઉપયોગ કરીને મત્સ્ય ઉત્પાદનનો જૂની અને પરંપરાગત ભાતથી અલગ નીકળી મૂલ્યવર્ધન સાથેની ચીજવસ્તુઓ બનાવવા માટે ઉપસ્થિત હિતધારકોને અપીલ કરી હતી.

મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ આપણે દેશમાં સૌથી મોટો દરિયાકિનારો ધરાવીએ છીએ તેનો પૂર્ણકક્ષાએ ઉપયોગ કરવા તેમજ દરિયાઈ ક્ષમતાઓને ઓળખી આગળ વધવા માટેની શુભકામનાઓ પાઠવી હતી.

ગ્રીટ (ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન)ના સી.ઈ.ઓ અને એક્ઝિક્યૂટિવ કમિટિના ચેરપર્સન એસ.અપર્ણાએ જણાવ્યું હતું કે, ટકાઉતા, ઉત્પાદકતા અને ગુણવત્તાને ધ્યાનમાં રાખીને આપણે માછીમારોના જીવનધોરણમાં પણ બદલાવ આવે એ પ્રમાણે કાર્ય કરવું છે, તે સાથે માછીમારી પદ્ધતિઓ, મૂલ્યવર્ધન, કોલ્ડચેઈન વ્યવસ્થા, પ્રોસેસિંગ અને નિકાસની તકો અંગેની જાણકારી મેળવી મત્સ્યોદ્યોગ ક્ષેત્રના વિકાસનો રાહ કંડારવો છે.

તેમણે રોકાણ, માળખાકીય સુવિધાઓ અને નાવિન્યકરણ સંશાધનો દ્વારા તેમાં વધારો થઈ શકે છે તેમ જણાવી શિક્ષણ, નિપુણતા અને સંશોધનની જરૂરિયાત વર્ણવી હતી.તેમણે ડેરીકલ્ચર અને હોર્ટિકલ્ચર ક્ષેત્રે જે રીતે આપણે વિકાસ કરી શક્યાં છીએ, તે જ રીતે મરિન ફિશિંગ અને એક્વાકલ્ચરમાં પણ અપાર સંભાવનાઓ છે. તેનો આપણે વિકાસ કરવો છે.

તેમણે મત્સ્યોદ્યોગના પ્રશ્નો નહી પણ આ ક્ષેત્ર રાજ્ય અને દેશના વિકાસમાં કઈ રીતે પ્રદાન કરી શકે તેનું મનોમંથન આજના સત્રમાં કરવાનું છે. વિકાસ માટે ઉત્પાદનને ટકાવી રાખવાનું છે તે સાથે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત તેમણે વર્ણવી હતી.તેમણે ગ્રીટ સંસ્થા વિશે જણાવ્યું કે, ગ્રીટ સંસ્થા વિકાસની નીતિઓ, વ્યૂહરચનાઓનો અભ્યાસ કરીને શું વધારો કે સુધારો કરી શકાય? તેની ભલામણો રાજ્ય સરકારને કરે છે. જેને આધારે રાજ્ય સરકાર નીતિનિર્ધારણ કરે છે.

મત્સ્યોદ્યોગ વિભાગના સચિવ સંદિપકુમારે સેમિનારનો હેતુ સ્પષ્ટ કરીને રાજ્ય સરકારના મત્સ્યવિભાગ દ્વારા મત્સ્યોદ્યોગ અને માછીમારોના વિકાસ માટે રાજ્ય સરકારે ઉઠાવેલા પગલાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.

તેમણે ગુજરાતનો લાંબો દરિયાકિનારો, સમૃદ્ધ જળસંપદા અને ઉદ્યોગ સાહસિક ક્ષમતાઓ મત્સ્યોદ્યોગ ક્ષેત્રને નવી ઉંચાઈએ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. જો ટેક્નોલોજી, તાલીમ અને બજારનું યોગ્ય જોડાણ કરવામાં આવે તો માછીમાર સમુદાયની આવકમાં પણ નોંધપાત્ર વધારો કરી શકાય તેમ છે.

તેમણે રાજ્ય સરકાર દ્વારા માછીમારોને આપવામાં આવતી ડિઝલમાં વેટ સહાય, વહાણમાં સહાય, હાર્બરના આધુનિકીકરણ, બોટ પર સોલાર વિન્ડ પાવરનો ઉપયોગ, બોટ પર ટ્રાન્સપોર્ડર લગાવવા જેવા વિવિધ પ્રોત્સાહનો અને સહાયનો ઉલ્લેખ કરીને આ સગવડનો ઉપયોગ કરીને માછીમાર સમુદાય ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે માટેનો અનુરોધ કર્યો હતો.

જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય. એ સોમનાથની પવિત્ર અને ઐતિહાસિક ભૂમિ પર યોજાઈ રહેલો મત્સ્યોદ્યોગનો આ સેમિનાર નવી દિશા અને દ્રષ્ટિ આપનારો સાબિત થશે, તેમ જણાવી સરકાર, ઉદ્યોગ અને માછીમાર સમુદાય વચ્ચે સહકાર વધુ મજબૂત બને અને ગુજરાતના મત્સ્યોદ્યોગ માટે ઉજ્જવળ ભવિષ્ય માટેનો મજબૂત પાયો આ સેમિનારથી રચાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં મરિન અને ઈનલેન્ડ ફિશરીઝ પ્રોડક્ટિવિટી વધારવી, આધુનિક માળખું અને મૂલ્યક્ષમતાવર્ધન, મેરિકલ્ચર અને એક્વાકલ્ચરનું વૈવિધ્યકરણ, નીતિ, સુશાસન અને ટકાઉતાની પગદંડીઓ અંગેના વિવિધ સેમિનારો યોજાયા હતાં. જેમાં દેશભરમાંથી પધારેલા તજજ્ઞોએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતાં. ઉપસ્થિત હિતધારકોએ પોતાના અનુભવો વહેંચ્યા હતાં.

આ સેમિનાર થકી રાજ્યના દરિયાકાંઠામાં રહેલી અસીમિત ક્ષમતાઓ, માળખાગત સુવિધાઓ, બંદરોના માળખાઓનું આધુનિકીકરણ, મત્સ્ય ઉત્પાદન ક્ષમતા, માછીમારી અને પ્રોડક્શનમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ વગેરે મુદ્દાઓને આવરી લઈ તજજ્ઞોએ હિતધારકો સાથે મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં સંશોધન અને વ્યૂહરચનાઓ પર વિશદ્ છણાવટ કરવામાં આવી હતી.

આ સેમિનારમાં દેશમાંથી પધારેલા મત્સ્યોદ્યોગ ક્ષેત્રના તજજ્ઞો, ઉદ્યોગકારો, મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, માછીમારી સમુદાયના પ્રતિનિધિઓ, સી ફૂડ એક્સપોર્ટર્સ, એમપેડાના પ્રતિનિધિઓ, ફિશરીઝ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande