


પોરબંદર, 21 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર શહેરના કમલાબાગ વિસ્તારમાં આવેલ એમ.ઈ.એમ. પ્રાથમિક શાળા ખાતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ (PM POSHAN) યોજના અંતર્ગત પરંપરાગત તથા સ્વસ્થપ્રદ વાનગીઓની જિલ્લા કક્ષાની રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી ઉપસ્થિત રહી સ્પર્ધામાં ભાગ લેનાર રસોઈયા બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.
PM POSHAN યોજનાના હેતુ મુજબ બાળકોને પૌષ્ટિક અને સ્વસ્થ આહાર પૂરો પાડવા તેમજ ગુજરાત રાજ્યની પરંપરાગત વાનગીઓના પ્રચાર-પ્રસાર માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ તાલુકા કક્ષાએ યોજાયેલી રસોઈ સ્પર્ધામાં વિજેતા બનેલ સ્પર્ધકો માટે જિલ્લા કક્ષાની આ સ્પર્ધા યોજાઈ હતી.
સ્પર્ધામાં વિવિધ શાળાઓના રસોઈયા બહેનો દ્વારા સ્થાનિક તથા પૌષ્ટિક અનાજમાંથી તૈયાર કરેલી સ્વસ્થપ્રદ અને પરંપરાગત વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. આ વાનગીઓ દ્વારા બાળકોના આરોગ્ય, પોષણ અને ઘરેલું પરંપરાગત ખોરાકના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા પુરવઠા અધિકારી એન.બી. રાજપૂત, તેમજ સંબંધિત અધિકારીઓ, શિક્ષકો અને ઉપસ્થિત મહેમાનો દ્વારા સ્પર્ધકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સાથે સાથે PM POSHAN યોજનાના ઉદ્દેશો અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ કમિશનર, PM POSHAN યોજના, ગાંધીનગર તથા ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya