
પોરબંદર, 21 ડિસેમ્બર (હિ.સ.)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી મહિલાહિતલક્ષી યોજનાઓ અને નીતિઓના કારણે મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. તેનું જીવંત ઉદાહરણ પોરબંદર જિલ્લાના બાલોચ ગામના ગાયત્રી સખી મંડળ સાથે જોડાયેલા હંસાબેન સોંદરવા છે.
પોરબંદરના નટવરસિંહજી ક્લબ ગ્રાઉન્ડ ખાતે તા.19 થી તા.21 ડિસેમ્બર દરમ્યાન યોજાયેલ સશક્ત નારી મેળા તથા પ્રદર્શનીમાં જિલ્લાની સખી મંડળ સાથે જોડાયેલી મહિલાઓને મફતમાં સ્ટોલની સુવિધા આપવામાં આવી હતી. આ અંતર્ગત ગાયત્રી સખી મંડળના હંસાબેન સોંદરવાને પણ સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો.
હંસાબેન સોંદરવાએ જણાવ્યું હતું કે તેઓ ઘરેથી રૂમાલ, મોતી ભરેલ નારિયેળ, ઝુલા, મોબાઇલ પર્સ સહિતની વિવિધ હસ્તકલા સામગ્રી બનાવે છે. અગાઉ ઘરેથી બનાવટ થતી હોવા છતાં યોગ્ય પ્લેટફોર્મના અભાવે વેચાણ શક્ય બનતું ન હતું. પરંતુ સરકાર દ્વારા સ્વદેશી મેળા અને સશક્ત નારી મેળામાં મફતમાં સ્ટોલ મળતા હવે તેમની હસ્તકલાના ઉત્પાદનોનું વેચાણ વધ્યું છે અને તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની રહ્યા છે.
વધુમાં હંસાબેન સોંદરવાએ જણાવ્યું હતું કે મેળામાં મળેલી સુવિધાઓના કારણે હવે તેમને આર્થિક બાબતોમાં અન્ય પર નિર્ભર રહેવું પડતું નથી. તેમણે સશક્ત નારી મેળામાં મફતમાં સ્ટોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બદલ રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya