
જુનાગઢ, 21 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક અને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ધારાસભ્યઓએ વિવિધ જન પ્રશ્નોની રજૂઆત કરી હતી. જે અંગે જિલ્લા કલેકટરએ સંબંધિત વિભાગોએ આપેલા જવાબ અંગે સમીક્ષા કરી સત્વરે કામગીરી પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં પેન્ડીંગ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા અને ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ રજુ કરેલા વિવિધ પ્રશ્નોની પણ સમીક્ષા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વરસાદી પાણી પીડિતોને સહાય ,દબાણ હટાવવાની કામગીરી, કોઝ વેની આજુબાજુમાંથી કચરા હટાવવાની કામગીરી, એટીવીટી, રેતી રોયલ્ટી, સ્ટેમ્પ ડ્યુટી, તાલુકા આયોજન, નાણાપંચ ગ્રાન્ટ, વિવેકાધીન ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસ કાર્યોની મંજુરી અપાવવી, કામના ચુકવણાની હાલની પરિસ્થિતિ, બાકી રહેલા કામો પૂર્ણ કરવા ,અલગ અલગ સહકારી મંડળીઓની ચોકસી તપાસના પ્રશ્નો, જુનાગઢથી ભેંસાણ રોડ, પોલીસ વેલ્ફેર ફંડ ખર્ચ વિગતો,ખેડૂતોને ચુકવવામાં આવેલી રીબેટ વિગતો, ખેડૂત ખાતેદારોને ખેતી વિષયક વીજ કનેક્શનની વિગતો, ખેડૂતોને જમીન અંગેની સ્ટેમ્પ ડ્યુટીના પ્રશ્નો, ખેડૂતોની જમીનના હદની માપણી અને હદ નિશાન અંગેની વિગતો, નવા પોલીસ સ્ટેશન બનાવવાની કામગીરી, રોડના રીપેરીંગ કામ, રેકર્ડ કચેરી, પાણીની ટાંકી રીપેરીંગ કરાવવાની કામગીરી, કમોસમી વરસાદના સર્વે કરાવવાની કામગીરી આમ વિવિધ પ્રશ્નોની વિસ્તૃતપણે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારના જમીન, બાંધકામ ,દબાણ સહિતના નીયમાનુસારના પ્રશ્નોના નિકાલ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને આગામી સમયમાં યોજાનાર પદયાત્રાના સુચારુ આયોજન અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ જિલ્લા કક્ષાની ટેલીકોમ્યુનિકેશન સમિતિ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રીએ ટેલીકોમ્યુનિકેશન અંગેની સુચના અને અમલીકરણ અંગેની સુચના આપી હતી.
આ ઉપરાંત જિલ્લા નાગરિક અને પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં નવી વ્યાજબી ભાવની દુકાનો ખોલવા અંગેની મંજુરી મેળવવામાં આવી હતી અને રીવ્યુ કરવામાં આવ્યો હતો. તેમજ નવા કેસોની સમીક્ષા અને પુરવઠાની ઉપલબ્ધતા વિષે ચર્ચા વિચરણા કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત મુખ્યમંત્રી અલ્પાહાર યોજના, સુખડી યોજના, તિથી યોજના વગેરે અને જિલ્લામાં વર્તમાન લાભાર્થીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે વર્તમાન પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક નાયબ કલેકટરઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, તેમજ સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ