પુત્રને શોધતા આવ્યા હુમલાખોરોએ, પિતાની સરાજાહેર ચપ્પુથી હત્યા
સુરત, 21 ડિસેમ્બર (હિ.સ.)-સુરતના ઉધના વિસ્તારમાં ફરી એકવાર ગુનાખોરીએ માથું ઉંચું કર્યું છે. જૂની અંગત અદાવતના કારણે એક નિર્દોષ પિતાએ પોતાના પુત્રની જગ્યાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અશોક સમ્રાટ નગરમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની 50 વર્ષીય ધનર
Murder


સુરત, 21 ડિસેમ્બર (હિ.સ.)-સુરતના ઉધના વિસ્તારમાં ફરી એકવાર ગુનાખોરીએ માથું ઉંચું કર્યું છે. જૂની અંગત અદાવતના કારણે એક નિર્દોષ પિતાએ પોતાના પુત્રની જગ્યાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અશોક સમ્રાટ નગરમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની 50 વર્ષીય ધનરાજ ભીમરાવ તાયડેની સરાજાહેર ચપ્પુ વડે નિર્મમ હત્યા કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ધનરાજ તાયડે પોતાના પરિવાર સાથે ઉધનામાં વસવાટ કરતા હતા. થોડા સમય પહેલાં તેમના પુત્ર વિકી અને મુખ્ય આરોપી દીપક નગરાડે વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી. આ ઝઘડાની અદાવત રાખીને દીપક નગરાડે પોતાના 4થી 5 સાગરીતો સાથે વિકી પર હુમલો કરવા આવ્યો હતો.

હુમલાના સમયે વિકી જીવ બચાવીને ભાગી છૂટ્યો હતો, પરંતુ આરોપીઓનો ગુસ્સો તેના પિતા પર ઉતરી આવ્યો. પુત્ર હાથ ન લાગતા ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ધનરાજ તાયડે પર જાહેરમાં ચપ્પુ વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા. સમગ્ર ઘટનાની દોડધામ નજીક લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં આરોપીઓ વિકીની પાછળ દોડતા નજરે પડે છે.

સ્થાનિકોનો આરોપ છે કે મુખ્ય આરોપી દીપક નગરાડે વિસ્તારમાં દારૂ અને ગાંજાના ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલો છે અને તેની ગેંગ લાંબા સમયથી વિસ્તારમાં આતંક ફેલાવી રહી છે. હથિયારો સાથે ખુલ્લેઆમ ફરતા આવા તત્વોથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે.

ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી હત્યાનો ગુનો નોંધ્યો છે. હાલ ફરાર દીપક નગરાડે અને તેના સાગરીતોને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે.

મૃતકના પરિવારે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને વિસ્તારમાં ફરી શાંતિ અને સુરક્ષા સ્થાપિત થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande