



પોરબંદર, 21 ડિસેમ્બર (હિ.સ.)પર્યાવરણની જાળવણી અને ‘આપણું પોરબંદર, ગ્રીન પોરબંદર’ના સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે વિસાવાડા હાઈસ્કૂલ ખાતે ગ્રીન પોરબંદર પ્રોજેક્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
'આપણું પોરબંદર, ગ્રીન પોરબંદર' પ્રોજેક્ટ અંતર્ગત પોરબંદર શહેર માં 10,000 જેટલા વૃક્ષો રોપણ થઈ ચૂક્યા છે અને વધુ રોપણ થવા જઈ રહ્યા છે ત્યારે હવે પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વૃક્ષ રોપણ કરવાની શરૂઆત વિસાવાડા ખાતે વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતમાં કરવામાં આવી છે. જે અંતર્ગત વિસાવાડા ખાતે આશરે 3,000 જેટલા વૃક્ષો વાવવામાં આવશે.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગ્લોબલ વોર્મિંગને વર્તમાન સમયનો સૌથી મોટો પડકાર ગણાવતા માનવજાત દ્વારા પર્યાવરણને પહોંચાડવામાં આવેલા નુકસાનના પરિણામે આજે ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે અને કુદરતી આપત્તિઓનું પ્રમાણ વધી રહ્યું છે તેમ જણાવ્યું હતું.
પર્યાવરણીય સંતુલન જાળવવા માટે મંત્રીએ વનીકરણ અને ગ્રીન એનર્જીના ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આદર્શ સ્થિતિમાં 33% જંગલ વિસ્તાર હોવો જોઈએ, જેની સામે રાજ્યમાં માત્ર 11% જ હોવાથી સઘન વૃક્ષારોપણ અને વનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે પરંપરાગત બળતણને બદલે સોલાર એનર્જી, વિન્ડ પાવર અને ઈલેક્ટ્રિક વાહનોનો મહત્તમ ઉપયોગ કરવા તેમજ દરેક નાગરિકને વ્યક્તિગત રીતે વૃક્ષારોપણની જવાબદારી સ્વીકારવા તેમણે જાહેર અપીલ કરી હતી.
વધુમાં મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલ એક પેડ માં કે નામ પહેલને અનુસરીને વૃક્ષારોપણ કરવા અને આ પહેલને એક જનઆંદોલન સ્વરૂપ આપવા ગ્રામજનોને જણાવ્યું હતું.મંત્રીએ સદભાવના વૃદ્ધાશ્રમના પર્યાવરણ ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે કરવામાં આવેલા યોગદાન અંગે પ્રશંસા કરી હતી.
સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરી અને 150 કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અર્જુન મોઢવાડિયાએ જ્યારથી વન અને પર્યાવરણ વિભાગનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી તેમના આ મીશનને વધુ વેગ મળ્યો છે. અને તેમણે ગ્રામજનોને વૃક્ષારોપણમાં સહયોગ કરવા ગ્રામજનોને અપીલ કરી હતી.
ગ્રીન પોરબંદરના ચેરમેન રામદેભાઈ મોઢવાડિયા દ્વારા ઉપસ્થિત તમામ લોકોને ગ્રીન પોરબંદર પ્રોજેક્ટ દ્વારા પોરબંદરને હરિયાળું બનાવવા અને પર્યાવરણના જતન માટે કરવામાં આવેલ વૃક્ષારોપણની કામગીરી અંગે માહિતી આપી હતી. તેમજ તમામ લોકોને પર્યાવરણનું જતન કરવા વૃક્ષો વાવવા આહવાન કર્યું હતું.
ગ્રીન પોરબંદર વોલેન્ટિયર ડૉ. દર્શક પટેલ દ્વારા બાળકોને સમજાય તેવી શૈલીમાં પર્યાવરણ જતન અને તેના માટે કરવામાં આવતી કામગીરી અંગે માહિતી આપી હતી. અને કાર્યક્રમનું સંચાલન ગ્રીન પોરબંદરના ધર્મેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, મામલતદાર ખીમાભાઈ મારૂ ,તાલુકા વિકાસ અધિકારી એમ ગજ,પોરબંદર તાલુકા ભાજપ પ્રમુખ રાણા મોઢવાડીયા, વિસાવાડા ગામના અગ્રણી માલદેભાઈ ,અગ્રણી સર્વરામભાઈ કેશવાલા, રણમલભાઈ કેશવાલા,હાથિયાભાઈ ખુટી,અરશીભાઈ ખુટી, પ્રતાપભાઈ કેશવાલા, ગ્રીન પોરબંદરના વોલિયેન્ટર સહિતનાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya