

- વિશ્વ ધ્યાન દિવસની મહાત્મા મંદિરમાં ઉત્સાહપૂર્ણ ઉજવણી
ગાંધીનગર, 21 ડિસેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ સાધના અને ધ્યાનની પ્રાચીન પરંપરાને સ્વસ્થ અને સંતુલિત સમાજ નિર્માણ માટેનું જનઆંદોલન બનાવવાનું આહવાન કર્યું છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત@2047ના લક્ષ્યને મનની શાંતિ અને સ્વસ્થ-નિરોગી જીવનશૈલી સાથે ધ્યાન યોગથી જ સમાજ અને રાષ્ટ્ર નિર્માણ દ્વારા સાકાર કરી શકાશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ અને યોગ ટ્રેનરના પ્રથમ દીક્ષાંત સમારોહ અને વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના અધ્યક્ષ સ્થાનેથી મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા.
તેમણે યોગ ટ્રેનર્સને અભિનંદન પાઠવતાં કહ્યું કે, યોગ એ શારીરિક તાકાત વધારે છે અને ધ્યાન મનની એકાગ્રતા વધારે છે. યોગ કરવા માટેની શક્તિનો સંચય ધ્યાન દ્વારા પ્રાપ્ત થતી મજબૂત નિર્ણય શક્તિથી જ થાય છે.
મુખ્યમંત્રીએ ધ્યાનને ભારતની પ્રાચીન પરંપરામાંથી ઉપજી આવેલું વરદાન ગણાવતા ઉમેર્યું કે, આજના ઝડપી અને તણાવભર્યા સમયમાં માનસિક શાંતિ માટે તે એટલું જ પ્રાસંગિક છે.
ભારત વિશ્વને આધ્યાત્મિક માર્ગદર્શન આપનારો દેશ છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગને જે વૈશ્વિક સ્વીકૃતિ અપાવી તેના પરિણામે 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેનું ગૌરવ પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનએ યોગને સ્વાસ્થ્ય રક્ષાનો પરંપરાગત સરળ ભાગ કહીને નિયમિત યોગ, પ્રાણાયામ, ધ્યાનથી રોગો-બીમારીથી મુક્ત રહેવાનો ઉપાય બતાવ્યો છે.
યોગથી આયુષ્યમાન ભારત એવી સ્વાસ્થ્ય સુવિધા છે કે, યોગથી સ્વાસ્થ્ય રક્ષા છતાં પણ જો કોઈને ગંભીર બીમારી આવે તો તેના ઈલાજ માટે આયુષ્માન ભારત યોજના વડાપ્રધાનશ્રીએ આપી છે તેની પણ તેમણે ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજના સ્પર્ધાત્મક યુગમાં યોગ અને ધ્યાન એ એકાગ્રતા, નિર્ણયશક્તિ અને આંતરિક શાંતિ વધારવા માટે કોઈ ખર્ચ કે આડઅસર વગર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેવો સ્પષ્ટ મત પણ આ તકે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીના હસ્તે આ સમારોહમાં યોગ ટ્રેનર્સને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
યોગ બોર્ડના અધ્યક્ષ શિશપાલજી રાજપુતે યોગ બોર્ડની પ્રવૃત્તિઓ, તેની પ્રાસંગિકતા અને યોગ દ્વારા સ્વસ્થ રાજ્યથી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં યોગ ટ્રેનર્સની ભૂમિકાની વિસ્તૃત જાણકારી આપી સૌનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાંબેન પટેલ, ધારાસભ્ય રીટાબહેન પટેલ, હિમાલયન સમર્પણ મેડિટેશનના ગુજરાત પ્રાંત પદાધિકારીઓ અને યોગ ટ્રેનર્સ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ