
અમરેલી, 22 ડિસેમ્બર (હિ.સ.) : સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા અમરેલી શહેરમાં વિકાસયજ્ઞ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજીત રુ. ૧૦૧ લાખના વિકાસકાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ વિકાસયજ્ઞ અંતર્ગત શહેરના વિવિધ વોર્ડોમાં માર્ગ સુધારણા, પેવર બ્લોક, ગટર વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, સ્ટ્રીટ લાઇટ તેમજ અન્ય નાગરિક સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટેના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શહેરોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને શહેરી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ મજબૂત બનાવવાનો મુખ્ય હેતુ છે.
અમરેલી નગરપાલિકાના પદાધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. આ વિકાસકાર્યો પૂર્ણ થતાં અમરેલી શહેરના નાગરિકોને વધુ સુવિધાઓ મળશે તેમજ શહેરના સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai