
સુરત, 22 ડિસેમ્બર (હિ.સ.) : સુરતના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોની દહેશત સામે આવી છે. કાપોદ્રા ચાર રસ્તા નજીક આવેલી રૂદ્ર ચિકન દુકાન પર માથાભારે નિખિલ ઉર્ફે ટકલો સંજય યાદવ અને તેના બે સાથીદારોએ દુકાનદાર પ્રદીપ દિગાંબર વાનખેડે, તેમની પત્ની અને દીકરા પર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ અચાનક દુકાન પર ચઢાઈ કરી યુવક પર એક બાદ એક ચાર તલવારના ઘા માર્યા હતા. પત્ની બચાવવા વચ્ચે પડતાં તેના પર પણ હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને લોહીલુહાણ હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઘટનાને પગલે વરાછા પોલીસે CCTV અને પરિવારની ફરિયાદના આધારે નિખિલ ટકલા સહિત ત્રણ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે