
અમરેલી, 22 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના સાજિયાવદર ખાતે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને ચાડિયા–લાપાળિયા રોડ પર રૂ. 2.70 કરોડના ખર્ચે થનાર સ્લેબ ડ્રેઈનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસ કાર્યથી વરસાદી પાણીના યોગ્ય નિકાલ સાથે માર્ગની મજબૂતીમાં વધારો થશે અને સ્થાનિક નાગરિકોને મોટી રાહત મળશે.
ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ, પાણી અને ડ્રેનેજ જેવી મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ રોડ અને સ્લેબ ડ્રેઈનનું કામ પૂર્ણ થતાં આસપાસના ગામોના લોકોને આવનજાવનમાં સુવિધા મળશે.
આ સાથે જ તેમણે મહત્વપૂર્ણ માહિતી આપતાં જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત અંદાજિત રૂ. 575 કરોડની સહાય ખેડૂતોના ખાતામાં સીધી જમા કરવામાં આવી છે. અપ્રાકૃતિક વરસાદ અને પાક નુકસાનથી અસરગ્રસ્ત ખેડૂતોને આ સહાયથી મોટી રાહત મળી છે. સરકાર ખેડૂતોની મુશ્કેલીઓમાં તેમની સાથે મજબૂતીથી ઊભી છે અને આવનારા સમયમાં પણ સહાય અને વિકાસના કાર્યો સતત ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai