ધારીમાં પ્રસુતિ દરમિયાન શ્વાસ બંધ થતા ડૉ. અમિત રાઠોડે કૃત્રિમ શ્વાસ આપી બાળકનો જીવ બચાવ્યો
અમરેલી, 22 ડિસેમ્બર (હિ.સ.) : ધારી શહેરમાં માનવતા અને તબીબી કુશળતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. પ્રસુતિ દરમિયાન એક નવજાત બાળકનો શ્વાસ અચાનક બંધ થઈ જતા તાત્કાલિક પરિસ્થિતિ સર્જાઈ હતી. આવા સંજોગોમાં ગાયનેકોલોજિસ્ટ ડૉ. અમિત રાઠોડે સમયસર અને ઝડપી
નવજીવન અપાયું: ધારીમાં પ્રસુતિ દરમિયાન શ્વાસ બંધ થતા ડૉ. અમિત રાઠોડે કૃત્રિમ શ્વાસ આપી બાળકનો જીવ બચાવ્યો


અમરેલી, 22 ડિસેમ્બર (હિ.સ.) : ધારી શહેરમાં માનવતા અને તબીબી કુશળતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. પ્રસુતિ દરમિયાન એક નવજાત બાળકનો શ્વાસ અચાનક બંધ થઈ જતા તાત્કાલિક પરિસ્થિતિ સર્જાઈ હતી. આવા સંજોગોમાં ગાયનેકોલોજિસ્ટ ડૉ. અમિત રાઠોડે સમયસર અને ઝડપી નિર્ણય લઈ કૃત્રિમ શ્વાસ આપી નવજાતનું જીવન બચાવ્યું હતું. તેમની સતર્કતા અને હિંમતભર્યા પગલાંને કારણે એક નિર્દોષ જીવને નવજીવન મળ્યું છે.

ડૉ. અમિત રાઠોડે જણાવ્યું કે ધારી આરોગ્ય કેન્દ્ર ખાતે પોતે ગાયનેકોલોજિસ્ટ તારીખે ફરજ બજાવે છે. હોસ્પિટલમાં એક સગર્ભા મહિલાની પ્રસુતિ દરમિયાન બાળક દ્વારા ગર્ભાવસ્થામાં જ મળ કરવામાં આવ્યું હતું, જેના કારણે ગર્ભનું પાણી મેકોનિયમથી દૂષિત બન્યું હતું, જેને મેડિકલ ભાષામાં “મેકોનિયમ સ્ટેઈન્ડ લિકર” કહેવામાં આવે છે. આ દૂષિત પાણી બાળક દ્વારા પી લેવાતા જન્મ બાદ તરત જ બાળકની શ્વાસોશ્વાસની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. બાળક કોઈ પ્રતિક્રિયા આપતું ન હોવાથી પ્રસુતિ ખંડમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.

આ સમયે નવજાતને બચાવવા માટે તાત્કાલિક ઇન્ટ્યુબેશન અને કૃત્રિમ શ્વાસ આપવાની જરૂર હતી, પરંતુ પ્રસુતિ સ્થળે નવજાત માટે જરૂરી ઇન્ટ્યુબેશન ટ્યુબ ઉપલબ્ધ નહોતી. પરિસ્થિતિની ગંભીરતા સમજી ડૉ. અમિત રાઠોડે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર એક અનોખો અને જીવનદાયી નિર્ણય લીધો. તેમણે આઈવી સેટની નળી કાપી તેને ઇન્ટ્યુબેશન ટ્યુબ તરીકે ઉપયોગમાં લઈ નવજાતને કૃત્રિમ શ્વાસ આપવાનું શરૂ કર્યું.

ડૉ. રાઠોડની આ સમજદારી અને ઝડપી કાર્યવાહીથી થોડા સમય બાદ બાળકમાં હલનચલન જોવા મળ્યું અને શ્વાસ ફરી શરૂ થયો. આ દરમિયાન હોસ્પિટલના ડૉ. દીપ, ડૉ. મેહુલભાઈ તેમજ નર્સિંગ સ્ટાફે પણ સંપૂર્ણ સહયોગ આપી તાત્કાલિક સારવારની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

બાળકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સુવિધા અને નિષ્ણાત સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે હાલ નવજાત સંપૂર્ણપણે સ્વસ્થ છે અને માતાની તબિયત પણ સારી છે.

ડૉ. અમિત રાઠોડની સમયસર કાર્યવાહી, તબીબી કુશળતા અને માનવતાભર્યા અભિગમને કારણે એક નવજાતનું જીવન બચી શક્યું છે. આ ઘટના તબીબી ક્ષેત્રમાં સમર્પણ અને ફરજપરાયણતાનું ઉત્તમ ઉદાહરણ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande