માત્ર ધોરણ 10 પાસ મહિલાએ શરૂ કર્યો બિઝનેસ, મહેનતથી બદલાઈ ગઈ કિસ્મત
અમરેલી, 22 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે મહિલાઓ આત્મનિર્ભરતાની નવી દિશામાં આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે. પરંપરાગત રીતે ખેતી અને ઘરકામ સુધી સીમિત રહેલી મહિલાઓ હવે નાના ઉદ્યોગો શરૂ કરીને પોતાની અલગ ઓળખ ઉભી કરી રહી છે.
માત્ર ધોરણ 10 પાસ મહિલાએ શરૂ કર્યો બિઝનેસ, મહેનતથી બદલાઈ ગઈ કિસ્મત


અમરેલી, 22 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે મહિલાઓ આત્મનિર્ભરતાની નવી દિશામાં આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે. પરંપરાગત રીતે ખેતી અને ઘરકામ સુધી સીમિત રહેલી મહિલાઓ હવે નાના ઉદ્યોગો શરૂ કરીને પોતાની અલગ ઓળખ ઉભી કરી રહી છે. યોગ્ય તાલીમ, માર્ગદર્શન અને દૃઢ મનોબળના સહારે ગ્રામીણ મહિલાઓ આર્થિક રીતે સશક્ત બની રહી છે, જે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતી પ્રેરણાદાયક તસવીર રજૂ કરે છે.

આવી જ એક પ્રેરણાદાયક કહાણી અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગોડાવદર ગામની મમતાબેન ગજેરાની છે. માત્ર ધોરણ 10 સુધી અભ્યાસ કરેલા મમતાબેન અગાઉ ખેતી અને ઘરકામ સુધી જ સીમિત હતા. પરિવારની જવાબદારીઓ અને રોજિંદા કામકાજ વચ્ચે તેઓ પણ અન્ય ઘણી મહિલાઓની જેમ પોતાના સપનાઓને દબાવીને જીવતા હતા. પરંતુ આજે પોતાની મહેનત અને કૌશલ્યના બળે મમતાબેન સફળ મહિલા ઉદ્યોગસાહસિક બની ચૂક્યા છે અને ગામની અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્રોત બન્યા છે.

મમતાબેન જણાવે છે કે તેમને SBI RSETI (રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ) દ્વારા સાબુ બનાવવાની વ્યવસાયિક તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ તેમના જીવનમાં મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ. તાલીમ દરમિયાન સાબુ બનાવવાની રીત, યોગ્ય કાચા માલની પસંદગી, ગુણવત્તા જાળવણી, પેકિંગ તેમજ માર્કેટિંગ અંગે વિગતવાર માર્ગદર્શન મળ્યું. તાલીમ પૂર્ણ થયા બાદ તેમણે ઘરેથી જ નાના પાયે સાબુ બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો.

આજે મમતાબેન 25થી વધુ પ્રકારના હર્બલ સાબુ બનાવે છે. તેમાં એલોવેરા, લીમડો, ગુલાબ, ચંદન, હળદર, મોગરા સહિત વિવિધ સુગંધ અને ઔષધીય ગુણો ધરાવતા સાબુનો સમાવેશ થાય છે. કેમિકલમુક્ત અને ત્વચા માટે સલામત હોવાને કારણે તેમના સાબુની માંગ માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં નહીં પરંતુ શહેરી વિસ્તારોમાં પણ વધતી જઈ રહી છે. લોકો સ્વાસ્થ્યપ્રદ અને કુદરતી ઉત્પાદનો તરફ વધુ વળે છે, જેના કારણે મમતાબેનના ઉત્પાદનોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

મમતાબેન છેલ્લા એક વર્ષથી નિયમિત રીતે સાબુ બનાવી રહ્યા છે. હાલ તેઓ મહિને આશરે 50,000 રૂપિયાના સાબુનું વેચાણ કરે છે. આ આવકથી તેમના પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બની છે. અગાઉ નાની જરૂરિયાતો માટે પણ અન્ય પર નિર્ભર રહેવું પડતું હતું, જ્યારે આજે તેઓ આત્મનિર્ભર બની પોતાના પરિવારને સહારો આપી રહ્યા છે. સાથે સાથે અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનવા પ્રોત્સાહન આપી રહ્યા છે. મમતાબેન ગજેરાની આ કહાણી સાબિત કરે છે કે શિક્ષણની મર્યાદા ક્યારેય સફળતાની મર્યાદા બની શકતી નથી. સાચી તક, યોગ્ય તાલીમ અને અડગ આત્મવિશ્વાસ હોય તો ગ્રામીણ મહિલાઓ પણ પોતાના સપનાઓને સાકાર કરી શકે છે અને સમાજ માટે પ્રેરણારૂપ બની શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande