
જુનાગઢ, 24 ડિસેમ્બર (હિ.સ.) : જુનાગઢના માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ગામ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. માળીયા હાટીના તાલુકા હેલ્થ ઓફિસ અને આર.બી.એસ.કે. ટીમ દ્વારા ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન 3.0 અંતર્ગત અંબાણી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 'વ્યસન મુક્તિ' વિષય પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ વ્યસનથી થતા આરોગ્ય અને સામાજિક નુક્સાન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા તેમજ પરિવારજનો સગા-સંબંધીઓને વ્યસનથી દૂર રહેવા માટે સંદેશ આપ્યો હતો. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને તાલુકા હેલ્થ ઓફિસ માળીયા હાટીના દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા અને તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આર.બી.એસ.કે. ટીમ દ્વારા તમાકુ અન્ય થતા દૂષણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અને સ્ટાફે સહકાર આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ