


- શાળાના સમયે અપૂરતી બસ સુવિધા હોવાથી જોખમી મુસાફરી કરવા વિધાર્થીઓ મજબૂર છે
ભરૂચ, 24 ડિસેમ્બર (હિ.સ.) : ભરૂચ જિલ્લાના આમોદ વિસ્તારમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં એસ.ટી. બસમાં વિદ્યાર્થીઓ જોખમી રીતે મુસાફરી કરતા નજરે પડે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે બસની અંદર ક્ષમતા કરતાં વધારે મુસાફરો ભરાયા છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ બસના દરવાજા પર લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. રોજિંદા અભ્યાસ માટે આવનજાવન કરતા વિદ્યાર્થીઓને યોગ્ય બસ સુવિધા ન મળતા તેઓ પોતાની જિંદગી જોખમમાં મૂકી મુસાફરી કરી રહ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા છે.
બસની અંદર પગ મૂકવાની પણ જગ્યા ન હોવાથી વિદ્યાર્થીઓને દરવાજા પર ઊભા રહીને પ્રવાસ કરવો પડી રહ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિકો દ્વારા એસ.ટી. તંત્ર પાસે વધારાની બસો ચલાવવાની અને વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ