
ગીર સોમનાથ, 24 ડિસેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડાના તીર્થધામ પ્રાંચી ખાતે રાજારામ બાપુની જગ્યામાં વિશાળ સંત મિલન, ભંડારો અને ચાદર વિધિ યોજાઈ. નીતેશ દાસ બાપુની ચાદર વિધિ યોજાય.આ પ્રસંગ માં 300 થી વધુની સંખ્યામાં સાધુ સંતો જોડાયા તો ત્રણ હજાર જેટલા ભાવિક ભક્તજનો ચાદર વિધીનાં સાક્ષી બન્યા.
સૌરાષ્ટ્રને સંત અને શુરાની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને પ્રભાસક્ષેત્ર અને પ્રાંચી તીર્થનું અનેરૂ મહત્વ જોવા મળે છે. પ્રાંચી ગામે રાજારામ બાપુની પાવન જગ્યામાં ભવ્ય ચાદર વિધિ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત નીતેસ દાસ બાપુની ચાદર વિધિ યોજાઈ હતી, જેમાં ૩૦૦ થી વધુ સાધુ-સંતોની હાજરીએ કાર્યક્રમને વિશેષ ગૌરવ મળ્યું હતું. આ પ્રસંગે ત્રણ જગતગુરુ શંકરાચાર્યનાં દંડી સ્વામી સહિત અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરના મહંત પૂજ્ય દિલીપ દાસ બાપુની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સંતોનાં આશીર્વચનોથી સમગ્ર વાતાવરણ ધાર્મિક ભાવનાથી છલકાયું હતું. વર્ષો પછી યોજાયેલા આ કાર્યક્રમને કારણે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
પ્રાંચી ખાતે યોજાયેલા સંત સંમેલનમાં વિશેષ વાત એ રહી કે પૂજ્ય રાજારામ બાપુનો ભંડારો ૨૭ વર્ષ બાદ યોજાયો હતો. ખુબજ લાંબા સમય પછી યોજાયેલા આ ભંડારામાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. રાજારામ બાપુની પવિત્ર જગ્યામાં નીતેસદાસ બાપુ ની ચાદર વિધિ સંપન્ન કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન અને દેખરેખ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ દ્વારા રાખવામાં આવી હતી. ચાદર વિધિ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર, ભજન-કીર્તન અને સંતોના આશીર્વચનોથી સમગ્ર પરિસર ભક્તિમય બની ગયો હતો.સાધુ-સંતો, મહંતો અને ભક્તોએ એકસાથે ધર્મલાભ લીધો હતો.
સંત મિલન અને ભંડારામાં પ્રાંચી ગામ સહિત આસપાસના તમામ ગામોના ગ્રામજનો, આગેવાનો તથા ધર્મપ્રેમી લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ભંડારા દરમિયાન તમામ હાજર ભક્તોને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો. જેમાં સૌએ શ્રદ્ધા અને ભાવથી મહાપ્રસાદનો લાહવો લીધો હતો. ગ્રામજનો દ્વારા ખૂબ જ સુંદર રીતે વ્યવસ્થા સંભાળવામાં આવી હતી, જેથી કોઈ અસુવિધા ઊભી ન થાય. આ કાર્યક્રમ દ્વારા ધાર્મિક એકતા, સંત સમાગમ અને પરંપરાગત સંસ્કૃતિને વધુ મજબૂતી મળી હોવાનું ભક્તોએ જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે ધર્મસભા પણ મળી હતી. આયોજકો દ્વારા તમામ સંતો, મહંતો, ગ્રામજનો અને ભક્તોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ