
વાપી, 28 ડિસેમ્બર (હિ.સ.) : લાયન્સ ક્લબ ઓફ વાપી ગ્રેટર દ્વારા સમાજહિતમાં વધુ એક સરાહનીય સેવા કાર્ય કરવામાં આવ્યું છે. શુક્રવારે ક્લબ દ્વારા શ્રેયસ મેડિકેર સંચાલિત એમ.એન. મેહતા જનસેવા હોસ્પિટલને મૃતદેહ રાખવા માટે ઉપયોગી એવા 2 કોલ્ડ સ્ટોરેજ (કોફિન) બોક્સ દાનમાં આપવામાં આવ્યા હતા. આ દાન માટે હેન્ડઓવર સેરિમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં લાયન્સ ક્લબના સભ્યો, દાતાઓ તથા હોસ્પિટલના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલ વ્યવસ્થાપને જણાવ્યું હતું કે, આ કોલ્ડ સ્ટોરેજ બોક્સ જરૂરિયાતના સમયમાં સામાન્ય જનતા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. વાપી શહેરમાં અગાઉ મૃતદેહને રાખવા માટે યોગ્ય સુવિધા ન હોવાથી પડતી મુશ્કેલીઓ હવે દૂર થશે.
આ સેવાકાર્ય બદલ હોસ્પિટલના ડોક્ટરો અને ટ્રસ્ટીઓએ લાયન્સ ક્લબ ઓફ વાપી ગ્રેટરનો આભાર વ્યક્ત કર્યો હતો. સમાજના દરેક વર્ગને લાભ થાય તેવા માનવતાભર્યા કાર્યોમાં ક્લબ હંમેશા અગ્રેસર રહે છે, તેવું પણ આ પ્રસંગે જણાવાયું હતું. જરૂરિયાતના સમયે જનતા જનસેવા હોસ્પિટલ, વાપીના ફોન નંબર 0260-6650100 પર સંપર્ક કરી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે